નોટોનું બંડલ મળતા ભાજપે કર્યો હોબાળો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યસભામાં કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીની સીટ પર ૫૦૦ રૂપિયાની નોટોનું બંડલ મળવાથી રાજકારણમાં ગરમાયુ છે. જ્યાં ભાજપે ખૂબ હોબાળો કર્યો. ભાજપે તેને ગંભીર મામલો ગણાવ્યો અને આખા મામલાની ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે. કોંગ્રેસે આરોપ સાબિત થતાં પહેલાં જ સાંસદનું નામ સાર્વજનિક કરવા પર વાંધો ઉઠાવ્યો.
સંસદના શિયાળુ સત્ર ચાલી રહ્યું છે. ત્યારે જેવી સદનની શરૂઆત થઈ તો રાજ્યસભાના સભાપતિ જગદીપ ધનખડે કહ્યું કે, “જ્યારે સુરક્ષા કર્મચારી નિયમિત તપાસ કરી રહ્યા હતા તો તેમને સીટ નંબર ૨૨૨ પર ૫૦૦ રૂપિયાની નોટોનું બંડલ મળ્યું. આ સીટ કોંગ્રેસ સાંસદ અભિષેક મનુ સિંઘવીને ફાળવવામાં આવેલી છે.” ધનખડે આગળ કહ્યું કે, “પરંપરા અનુસાર, તપાસના આદેશ આપી દીધા છે. આ સ્પષ્ટ નથી કે કરન્સી નોટ અસલી હતી કે નકલી.
બંડલમાં ૫૦૦ રૂપિયાની નોટ છે. આ મારુ કર્તવ્ય હતું અને હું સદનને સૂચના આપવા માટે બાધ્ય છું. આ એક નિયમિત તપાસ છે, જે રોજ થાય છે.” તેમણે કહ્યું કે, “અમને આશા છે કે કોઈ કરન્સી નોટ પર દાવો કરશે, પણ હજુ સુધી કોઈએ દાવો કર્યો નથી.” તેમણે આગળ કહ્યું કે, “શું લોકો આ રીતે નોટોના બંડલ ભૂલી શકે ખરા?”
ત્યાર બાદ સદનમાં હોબાળો થયો અને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આરોપ-પ્રત્યારોપ શરૂ થઈ ગયા. વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, “સભાપતિને તપાસ પૂરી થયા વિના સભ્યનું નામ ન બતાવવું જોઈએ.” તો વળી સદનના નેતા જેપી નડ્ડાએ વિપક્ષ પર આરોપ લગાવ્યો કે, “તેઓ અમુક મુદ્દા પર ઉત્સુકતા બતાવી રહ્યા છે. જ્યારે અન્ય મુદ્દા પર પડદો નાખવા માગે છે.”