Last Updated on by Sampurna Samachar
વક્ફ બોર્ડના નામે ભાડૂત પાસેથી જબરદસ્તી દુકાન ખાલી કરાવવાની ઘટનામાં ૫ સામે FIR દાખલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના દાણાપીઠ વિસ્તારમાં વક્ફ બોર્ડના નામે ભાડૂત પાસેથી જબરદસ્તી દુકાન ખાલી કરવાની ઘટના સામે આવી હતી. સમગ્ર ઘટનામાં હવે પોલીસ દ્વારા પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકમાં ફારૂખ મુસાણી સહિત પાંચ લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે પાંચ શખસ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

DCP ઝોન ૨ જગદીશ બાંગરવાએ સમગ્ર વિશે ઘટના વિશે માહિતી આપતાં જણાવ્યું કે, એ ડિવિઝનમાં ફરિયાદ મળી હતી કે, દાણાપીઠ મસ્જિદ છે, જેમાં ત્રણ દુકાન છે. લગભગ ૭૦ વર્ષથી અહીં હિન્દુ ભાડૂત ભાડાપેટે આ દુકાન ચલાવી રહ્યા હતાં. પરંતુ, અચાનક અમુક શખસોએ આવીને વક્ફ બોર્ડનો ઓર્ડર બતાવ્યો. આ ઓર્ડર મુજબ તેઓએ કહ્યું કે, અમને આ દુકાનનો કબ્જો લેવાનો હુકમ આપવામાં આવ્યો છે. આ સિવાય અજાણ્યા શખસોએ દુકાનના તાડા તોડી સામાન પણ બહાર ફેંકી દીધો હતો. આ વિશે વધુ વાત કરતાં ડીસીપીએ જણાવ્યું કે, આ ઘટનામાં ધર્મનો હજુ સુધી કોઈ પ્રશ્ન સામે આવ્યો નથી. આ વક્ફ બોર્ડની મિલકત હતી અને હિન્દુ ભાડૂત હતાં તેમની પાસે દુકાન ખાલી કરવામાં આવી તે હકીકત છે. જેમાં વક્ફ બોર્ડે જણાવ્યું છે કે, નિયમાનુસાર કબ્જો મેળવવાનો હુકમ કરવાનો આવ્યો હતો. પરંતુ આરોપીઓએ નિયમોનું પાલન કર્યું નથી.
સમગ્ર મુદ્દે પોલીસે નવ્વાબ મસ્જિદના ટ્રસ્ટી ફારૂખ મુસાણી સામે નામજાેગ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ અન્ય ૪ થી પાંચ અજાણ્યા શખસ સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સિવાય પોલીસે પોતાને મળેલાં વીડિયો આધારિત ચહેરાની ઓળખ કરી આ અજાણ્યા શખસ સામે કાર્યવાહી કરશે. પોલીસે ગેરકાયદેસર અપ્રવેશ, ગેરકાયદેસર મંડળી અને ગુનાહિત હસ્તક્ષેપની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
આ અંગે ભાડૂત હસમુખભાઈએ જણાવ્યું હતું કે, હું અમદાવાદ હતો ત્યારે એકાએક ૧૦થી વધુ લોકોનું ટોળું આવ્યું અને અમારી તાળા મરેલી દુકાનના તાળા તોડી અને સમાન બહાર ફેંકી દેવામાં આવ્યો હતો. અમે ૧૯૬૪ની સાલથી અહિંયા દુકાન ધરાવીએ છીએ એ છતાં કોઈપણ જાતની જાણ કર્યા વગર તેમણે આ પ્રકારનું પગલું લઈ લીધું. તેમને કોઈ ફારુખ ભાઈએ કહ્યું, વકફ બોર્ડનો ઓર્ડર છે કે અમારે મિલકતનો કબ્જો લેવાનો છે. તેમજ અમારી દુકાન વર્ષોથી ભાડે છે તે છતાં આ અંગે અમને અગાઉ કોઈ જાણ કે નોટિસ પણ આપવામાં આવી નહતી. અમારી સાથે અન્યાય થયો છે, અમારે ન્યાય જોઈએ છીએ જેથી બીજા કોઈ સાથે આવું ન થાય