Last Updated on by Sampurna Samachar
અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો
નાણાંના અભાવે અનેક યોજનાઓ માત્ર કાગળ પર રહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આગામી નાણાકીય વર્ષના બજેટની તૈયારીઓ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકા ઇતિહાસના સૌથી કપરા આર્થિક સમયગાળામાંથી પસાર થઈ રહી છે. ગત વર્ષે રૂ. ૩૧૦૦ કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો છે. નાણાંના અભાવે અનેક મહત્વકાંક્ષી યોજનાઓ માત્ર કાગળ પર રહી ગઈ છે અને સ્થિતિ એવી સર્જાઈ છે કે વિકાસ કામો ચાલુ રાખવા માટે મનપાએ રૂ. ૨૦૦ કરોડની લોન લેવી પડી છે.

નાણાકીય વર્ષ પૂરું થવાને હવે ગણતરીના મહિના બાકી છે, છતાં બજેટના અડધા નાણાં પણ વપરાયા નથી. આજી રિવરફ્રન્ટ, મોરબી રોડનું સ્મશાન ગૃહ અને કિસાનપરાથી મહિલા કોલેજ સુધીના વ્હાઇટ ટોપિંગ રોડ જેવી મોટી યોજનાઓ હજુ વનવાસ ભોગવી રહી છે. આ ઉપરાંત, ગ્રીન લાયબ્રેરી, મહિલા હોકર્સ ઝોન અને પીડીએમ ફાટક પાસેના બ્રિજ જેવી લોકઉપયોગી યોજનાઓ પણ ભંડોળના અભાવે અધ્ધરતાલ છે.
ખર્ચને પહોંચી વળવા માટે મનપાએ પ્લોટ વેચવા કાઢ્યા
મનપાની આર્થિક કમર તોડવામાં સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગનો નવો ડોર-ટુ-ડોર ગાર્બેજ કોન્ટ્રાક્ટ મુખ્ય કારણ માનવામાં આવે છે. જે કામ અગાઉ રૂ. ૩૫ કરોડમાં થતું હતું, તેનો ખર્ચ હવે વધીને વાર્ષિક રૂ. ૧૨૦ કરોડ પર પહોંચી ગયો છે. ૧૦ વર્ષના આ લાંબા ગાળાના કોન્ટ્રાક્ટમાં દર વર્ષે ૫% નો વધારો નક્કી કરાયો છે, જે ભવિષ્યમાં મનપા માટે મોટું આર્થિક ભારણ સાબિત થશે.
રાજકોટની જળ સમસ્યા પણ તિજોરી પર બોજ વધારી રહી છે. નર્મદાના નીર મંગાવવા માટે મનપા સરકારને પ્રતિ ૧૦૦૦ લીટરે રૂ. ૬ ચૂકવે છે, જેની સામે પ્રજા પાસેથી વાર્ષિક માત્ર રૂ. ૧૫૦૦ પાણી વેરો વસૂલાય છે.
બીજી તરફ, મિલકત વેરાનો રૂ. ૪૫૪ કરોડનો લક્ષ્યાંક જો ૧૦૦% પૂર્ણ થાય, તો પણ તેમાંથી માત્ર કર્મચારીઓનો વાર્ષિક પગાર જ નીકળી શકે તેમ છે. વિકાસ કામો માટે મનપાએ હવે અન્ય સ્ત્રોતો કે લોન પર ર્નિભર રહેવું પડે તેવી સ્થિતિ છે.
ખર્ચને પહોંચી વળવા માટે મનપાએ રૂ. ૩૭૦ કરોડની કિંમતના ૭ પ્લોટ વેચવા કાઢ્યા છે. જો આ પ્લોટ નહીં વેચાય તો લોન લીધા વગર ગાડું ગબડાવવું અશક્ય છે. આગામી બજેટમાં કમિશનર પ્રજા પર નવો કરબોજ ઝીંકે તેવી પૂરેપૂરી શક્યતા છે. જોકે, ચૂંટણીનું વર્ષ હોવાથી રાજકીય શાસકો પ્રજાની નારાજગી વહોરશે કે કેમ તે જોવું રસપ્રદ રહેશે.