Last Updated on by Sampurna Samachar
આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓની બેદરકારીભર્યો વીડિયો સામે આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના શાપરમાં આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની બેદરકારીભર્યો વીડિયો સામે આવ્યો હતો. જેમાં કર્મચારીઓ તાપણું કરતા જોવા મળ્યા હતા. વીડિયો વાયરલ થતાં તપાસ અધિકારીએ ૨ કરાર આધારિત કર્મચારીને ટર્મિનેટ કર્યા છે. ૨ કાયમી કર્મચારીને શો કોઝ નોટિસ આપવામાં આવી છે.
રાજકોટ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં કર્મચારીઓની બેદરકારી સામે આવી હતી. શાપર આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ કેમિકલ ભરેલા કેરબા પાસે તાપણું કરતો વીડિયો વાયરલ થયો હતો. જેથી લેબોરેટરી કે જેમાં જ્વલનશીલ કેમિકલ હોય ત્યાં તાપણું કરવાથી વિવાદ થયો છે. આરોગ્ય કેન્દ્રમાં ૧૫ થી વધુ લોકો ઉપસ્થિત હતા. ઠંડીથી બચવા અન્યના જીવ જોખમમાં મુક્યા હતા. દર્દીને અન્ય દવા આપતા જાગૃત નાગરિકે વીડિયો વાયરલ કર્યો છે જેથી સત્ય સામે આવે. લોકોમાં રોષ ફેલાયો છે કે આરોગ્ય કેન્દ્રમાં કોઈ મોટી દુર્ઘટના ઘટે તો જવાબદાર કોણ ?
સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનું નિવેદન લેવામાં આવ્યું હતું. આર.આર.કુલમાલીએ નિવેદન આપ્યું હતું કે તમામ કર્મચારીઓને ૨૪ કલાકમાં બોલાવી આ મામલે નિવેદન લેવામાં આવશે, આગ લાગી હતી કે લગાડવામાં આવી હતી તેની તપાસ કરાશે, કર્મચારીઓએ આગ લગાડી હશે તો દંડનીય કાર્યવાહી કરાશે તેવું આશ્વાસન આપ્યું હતું.
તપાસની અધિકારીના પ્રાથમિક રિપોર્ટમાં બેદરકારી ખુલી છે. આરોગ્ય કેન્દ્રમાં ઠંડી ઉડાડવા જોખમમાં મૂકે તેવું તાપણું કરાયું હતું, વીડિયો અને પૂછપરછના આધારે ફાર્માસિસ્ટ સચિન તિવારી અને લેબ. ટેક્નિશિયન રાધિકા વાસાણીને છૂટા કરાયા છે. બંને અધિકારીઓ કરાર આધારે જોડાયા હતા, તેમને ટર્મિનેટ કરવામાં આવ્યા છે. બીજા ૨ કાયમી અધિકારીઓને શો-કોઝ નોટિસ પાઠવવામાં આવી છે.