Last Updated on by Sampurna Samachar
ભયંકર આગમાં લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો
સદનસીબે કોઇ જાનહાનિ નહિ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ક્યાંય પણ આગ લાગે તો લોકોના મનમાં રાજકોટ ગેમઝોન ફાયરની ઘટના તાજી થઇ જાય છે. ત્યારે રાજકોટના મેટોડા GIDC માં આવેલી ગોપાલ નમકીનમાં ભીષણ આગ લાગી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં ચારે તરફ ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. ફેકટરીમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની ઘટનાને પગલે રાજકોટ, શાપર અને કાલાવડની ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઇ અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.
હાલમાં મળી રહેલી માહિતી અનુસાર આગ ભયંકર હોવાથી લાખોનો માલ બળીને ખાખ થઇ ગયો છે, જોકે સદનસીબે કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
ગોપાલ નમકીનની ફેકટરીમાં વિપુલ પ્રમાણમાં તેલનો જથ્થો અને પ્લાસ્ટિક પેકિંગનો સામાન હોવાથી આગ ઝડપથી પ્રસરવા લાગી હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ચાર કિલોમીટર સુધી ધુમાડાના ગોટેગોળા જોવા મળી રહ્યા હતા. રાજકોટ પોલીસ અને એમ્બુલન્સનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.
સૂત્રોના જણાવ્યા અનુસાર સામાન્ય આગથી શરૂઆત થઇ હતી ત્યારે ફેક્ટરી દ્વારા તેને ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો ન હતો. જેના લીધે લોકોના મોંઢે ચર્ચાઇ રહ્યું છે કે શું આટલી જાણિતી ફેક્ટરીમાં ફાયર સેફ્ટીની કોઇ વ્યવસ્થા ન હતી. ફેક્ટરીમાં આગ લાગતા લોકોનાં ટોળે ટોળા ત્યાં પહોંચ્યા હતા.