Last Updated on by Sampurna Samachar
આયોજક ચંદ્રેશ છત્રોલાએ પૂર્વ સાંસદને પણ છેતર્યા હોવાના અહેવાલ
કરિયાવરના નામે વસ્તુઓના પૈસા લઇ ગયા
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં સમૂહ લગ્નના નામે થયેલી છેતરપિંડીનો મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે. આ કેસમાં મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલાએ માત્ર ગરીબ પરિવારોને જ નહીં, પરંતુ પૂર્વ સાંસદ રમેશ ધડુકને પણ છેતર્યા હોવાનું સામે આવ્યું છે. ચંદ્રેશ છત્રોલા અને તેમની ટોળકીએ દીકરીઓને કરિયાવરમાં આપવાના બહાને પૂર્વ સાંસદ રમેશ ધડુક પાસેથી ૨૮ મિક્સર લઈ ગયા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
પૂર્વ સાંસદ રમેશ ધડુકે જણાવ્યું હતું કે, આયોજકોએ આ પહેલા પણ કરિયાવરના નામે તેમની પાસેથી વસ્તુઓ લીધી હતી. આ વખતે પણ જ્યારે આયોજકો કરિયાવર માટે વસ્તુઓ માંગવા આવ્યા ત્યારે તેમણે વિશ્વાસ મૂકીને ૨૮ મિક્સર આપી દીધા હતા. પરંતુ લગ્નના દિવસે જે રીતે આયોજકો ફરાર થઈ ગયા અને છેતરપિંડી આચરી, તેનાથી તેઓ પણ આઘાતમાં છે. રમેશ ધડુકે ચંદ્રેશ છત્રોલા સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા તમામ આગેવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
નોંધનીય છે કે, રાજ્ય ગૃહ મંત્રીએ આ ઘટના અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે, સમૂહ લગ્નના આયોજકો બરોબર લગ્નના સમયે લગ્ન સ્થળ છોડી ભાગી છૂટ્યા હતા, જેના કારણે અનેક લોકો દીકરાની જાન લઈને પહોંચ્યા હતા અને અનેક લોકો પોતાની દીકરીને લગ્ન વિધિ માટે તૈયાર હતા. આયોજકોએ દીકરીઓની આસ્થા અને આકાંક્ષાઓને ઠેસ પહોંચાડવાનું કૃત્ય કર્યું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે આયોજકો પર ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ થશે અને રાજકોટ પોલીસના સૌથી સોશિયલ ઉદાહરણ સામે આવ્યું છે. ઘટના બાદ કોન્સ્ટેબલથી લઈને ડીસીપી સુધીના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પોલીસે છ લગ્ન કરાવ્યા હતા. તેમણે રાજકોટ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા અને પોલીસ, મીડિયા અને સામાજિક આગેવાનોએ એક સામાજિક કાર્ય જવાબદારી પૂર્વક પૂર્ણ કર્યું તે બદલ અભિનંદન પાઠવ્યા હતા.
રાજકોટ ACP રાધીકા ભારાઈએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, ૨૮ નવ યુગલોનું સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ આયોજકો ફરાર થઈ જતા પોલીસે ૬ દીકરીઓના લગ્ન કરાવ્યા હતા. પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે અને ૬ આયોજકોના નામ હતા તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં દિપક હિરાણી, દિલીપ ગોહેલ અને મનીષ વિઠલાપરાનો સમાવેશ થાય છે.
તપાસમાં સામે આવ્યું છે કે દરેક યુગલના ૩૦ હજાર ઉઘરાવ્યાં હતા અને ૫૦ કરતા વધુ લોકોને જાનમાં લઈને આવ્યા હોય તેની પાસેથી દરેક વ્યક્તિ દીઠ ૧૦૦ રૂપિયા લીધા હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત અનેક દાતાઓ પાસેથી પણ રૂપિયા વસુલ કર્યા હોવાનું ખુલ્યું છે. મુખ્ય આરોપી ચંદ્રેશ છત્રોલાની શોધખોળ કરવામાં આવી રહી છે અને અગાઉ પણ આરોપીએ સમૂહ લગ્નનું આયોજન કરી છેતરપીંડી કરી હોવાની પોલીસને માહિતી મળી છે. દીકરીના પિતા ફરિયાદી બન્યા છે અને ફરિયાદ નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે.