એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી આપવાની તૈયારી દેખાડી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના રાજપરાના ખેડૂતને DAP ખાતર ખરીદવું મોંઘુ પડ્યુ છે. ખેડૂતને જાણે ખાતર ખરીદવા થવા જતાં ખાતર પડ્યું હોય તેવો અનુભવ થયો છે. રાજપરાના ખેડૂતે DAP ખાતર ખરીદ્યુ હતુ અને તેમા ખાતરની થેલીમાં કાંકરા અને પથ્થર નીકળ્યા છે. ખેડૂતે જામકંડોરણાના મધુવન એગ્રો પેઢીમાંથી ખાતર લીધું હતું.
એક તરફ ખેડૂતો ખાતર-બિયારણના વધતા ભાવથી હેરાન પરેશાન છે, જ્યારે બીજી તરફ ખેડૂતોએ ખરીદેલા ખાતરમાંથી કાંકરા નીકળે છે. એગ્રો એજન્સીમાં ફોન કરતા સંચાલકે ખાતર બદલી આપવાની તૈયારી બતાવી હતી. ખેડૂતે પોતાની સાથે અન્યાય થયો હોવાથી સેમ્પલની માંગ કરી હતી. ખેતીવાડી અધિકારી અને તાલુકા મામલતદારને આ અંગે ફરિયાદ કરવામાં આવી છે.
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કોર્પોરેશનના અધિકારીઓને આ અંગે જાણ કરવામાં આવી છે. એગ્રો કંપનીને સેમ્પલ લેવા તેમજ બાકીનો જથ્થો ન વેચવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ ખાતરની હવે ચકાસણી કરવામાં આવશે. ખાતરમાં આ રીતે કાંકરા અને પથ્થર ક્યાંથી આવ્યા તે શોધવામાં આવશે.
હાલમાં તો DAP ખાતર ખરીદનારા ખેડૂતોના નસીબમાં જાણે પથરા લખાયા હોય તેવી પરિસ્થિતિ છે. આવું તો કેટલીય જગ્યાએ થતું હશે અને ખેડૂતોની ફરિયાદ પણ કાને ધરવામાં આવતી નહી હોય. આ દર્શાવે છે કે ખેડૂત આ બધા પ્રકારની પરેશાનીઓથી ન કંટાળીને આત્મહત્યા ન કરે તો શું કરે. તે ખેતી કરે કે આ પ્રકારની હડસેલા ખાય. તંત્ર આ અંગે તાત્કાલિક કાર્યવાહી કરે તેવી ખેડૂતોની રાવ છે, જેથી ખેડૂતોને ન્યાય મળે. તેની સાથે ખેડૂતોને ખાતર પૂરુ પાડવામાં આવે તેવી પણ વિનંતી છે.