Last Updated on by Sampurna Samachar
એ ડિવિઝન પોલીસે CCTV ફૂટેજ આધારે નકલી પોલીસને પકડી લીધો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં પોલીસના નામે તોડ કરનાર શખ્સની પોલીસે ધરપકડ કરી છે. થોડા દિવસ પહેલા જ બસ સ્ટેન્ડ પાછળ આવેલી હોટેલમાં જઇ ક્રાઇમ બ્રાન્ચના નામે યુગલને અહીં શું આવ્યા છો કહીને ૩૧ હજારનો તોડ કર્યો હોવાનું ખુલ્યું છે. એ ડિવિઝન પોલીસને ફરિયાદ મળતા જ CCTV ફૂટેજ આધારે નકલી પોલીસને ઓળખી દબોચી લેવામાં આવ્યો હતો. જૂઓ કોણ છે આ નકલી પોલીસ.
રાજકોટમાં નકલી પોલીસ બની ફરતો મિહિર ભાનું કુંગસિયા ઝડપાયો છે. આ શખ્સ પર હોટેલમાં જઈ યુગલ પાસે થી ૩૧ હજારનો તોડ કર્યો હોવાનો આરોપ છે. મળતી માહિતી પ્રમાણે રાજકોટના કોઠારિયા નાકા પાસે શિવ પ્રતિમા એપાર્ટમેન્ટમાં રહેતો અને મૂળ બંગાળનો મુરારીમોહન શત્રુઘ્ન બાદ તેની પ્રેમિકા સાથે એસટી બસ સ્ટેન્ડ પાસે મૂન હોટેલમાં હતો ત્યારે અજાણ્યો શખ્સ તેની પાસે આવી તે ક્રાઇમ બ્રાંચના પોલીસમેન હોવાની ઓળખ આપી તમે અહીં શું કામ આવ્યા છો કહી ધમકાવ્યા હતા. ત્યારબાદ તેની પાસેથી ૧૨ હજારની રોકડની લૂંટ ચલાવી હતી અને તેની પાસેના એટીએમ લઇને તેમાંથી વધુ રૂ.૧૯ હજાર ઉપાડી લઇને કુલ રૂ.૩૧ હજારની લૂંટ ચલાવી નાસી ગયાનું જણાવ્યું હતું. યુવક સાથે ખોટું થયું હોવાની જાણ થતાં યુવકે પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
જેના આધારે પોલીસે ફરિયાદ નોંધી CCTV ચેક કરવાનું શરૂ કર્યું હતું. જેમાં આરોપી કેદ થયો હતો. પોલીસે આરોપીને ઝડપી લેવા અલગ અલગ વિસ્તારમાં વોચ ગોઠવી હતી. જેમાં પોપટપરા વિસ્તારમાં રહેતો મિહિર ભાનુભાઈ કુંગસિયા હોવાની ઓળખ થઈ હતી. જેને આધારે પોલીસે મિહિરને દબોચી લીધી હતો. હાલ એ ડિવિઝન પોલીસે નકલી પોલીસ મિહિરની સરભરા કરી ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
રાજકોટમાં પોલીસની પકડ ઢીલી પડતા લુખ્ખા તત્વો બેકાબૂ બન્યા છે. બે દિવસ પહેલાં જ અવધ રોડ પર યુગલને આંતરી પોલીસની ઓળખ આપી યુવકને મારકૂટ કરી લૂંટ, ખંડણી, અપહરણ અને છેડતીના ગંભીર ગુનામાં પોલીસે કુખ્યાત ચાર શખ્સને પકડી લઇ આકરી પૂછતાછ કરી હતી. જ્યારે આ શખ્સે ગત ૩૦ તારીખે બસ સ્ટેશન પાસેની હોટેલમાં ધસી જઇ ક્રાઇમ બ્રાંચના પોલીસ હોવાના નામે યુગલ પાસેથી ૩૧ હજારની રોકડની લૂંટ ચલાવી હતી.