યુનિવર્સિટી પોલીસ ગુનો નોંધ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટના ૧૫૦ ફૂટ રોડ પર એક જગ્યાએ બાંધકામ ચાલી રહ્યું હતું. જ્યાં કન્સ્ટ્રક્શન સાઈટ પર યુવાન નવમા માળેથી નીચે પટકાયો છે. યુવાન નીચે પટકાતા તેને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં શ્રમિકનું મૃત્યુ નીપજ્યું છે. હાલ પોલીસે આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટના ગોડાઉન રોડ પર અરિહંત નગર પાછળ ચાલતી તુલસીપાત્ર બાંધકામ સાઈટ પર કામ કરતાં અને ત્યાં જ રહેતાં જેનુભાઈ બચુભાઇ પલાસીયા આજે સવારે બાંધકામ સાઈટ પર નવમા માળે કામ કરતો હતો ત્યારે ત્યાંથી શરીરનું સંતુલન ગુમાવતાં તે નીચે પટકાયો હતો. કર્મચારીને ઇજાઓ પહોંચતા પ્રથમ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબોએ તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતાં. આ બનાવ અંગે જાણ થતાં યુનિવર્સિટી પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી તપાસ હાથ ધરી હતી.
ત્યાં કામ કરતા રાકેશે જણાવ્યું કે, ‘‘હું સૂતો હતો અને મારા ભાઈએ મને ઉઠાડ્યો અને કહ્યું કે, ‘એને પગમાં વાગ્યું છે અને તેને દવાખાનામાં લઈ જવાનો છે.’ જે બાદ ૧૦૮ને ફોન કરીને બોલાવીને અમે તાત્કાલિક સારવાર માટે લઈ ગયા હતા. દર્દીએ જ અમને કહ્યું કે, ‘હું નવમા માળેથી પડ્યો છું. હું ત્યાં એકલો જ હતો અને નીચે પડ્યો છુ. મને દવાખાને લઈ જાવ.’ જેથી અમે ગભરાઈ ગયા હતા એટલે તેને વધારે પૂછ્યું નથી અને દવાખાને લઈ ગયા.’’