Last Updated on by Sampurna Samachar
અશાંતધારાના અમલ સામે ભાજપના ધારાસભ્યએ કલેકટરને રજૂઆત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરના કેટલાક વિસ્તારોમાં લાગુ કરાયેલા અશાંતધારાના અમલીકરણ સામે ખુદ ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે સવાલો ઉઠાવ્યા છે. આ મામલે તેમણે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. હિન્દુઓના નામે મકાનો લઈ મુસ્લિમો કબ્જો ધરાવતા હોવાનાં નામજોગ આક્ષેપો કરતા ખળભળાટ મચી ગયો છે.
ભાજપના ધારાસભ્ય ડો. દર્શિતા શાહે ભાજપના સ્થાનિક આગેવાનો અને કેટલાક રહેવાસીઓને સાથે રાખી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે, રાજકોટ શહેરના વોર્ડ નં. ૨ માં જ્યાં અશાંતધારો લાગુ કરવામાં આવેલો છે ત્યાં કોઈને કોઈ કારણસર મુસ્લિમના નામે દસ્તાવેજ થાય છે કે હિન્દુના નામે દસ્તાવેજ કરી મુસ્લિમો રહે છે. આ અંગે યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
આવેદનપત્રમાં જણાવાયું છે કે, નહેરુનગર વિસ્તારમાંથી હિન્દુઓ હિઝરત કરી ગયા છે. તેમજ સુભાષનગર ૮-૯ તેમજ ૧૦ નંબરની શેરીમાં પણ હિન્દુઓ હિઝરત કરી ગયા છે. આ વિસ્તારોમાં મુસ્લિમને મકાન વેચવાનું હોય તો તે હિન્દુ સિવાય કોઈને વહેંચી શકે નહીં તેવી કડક કાર્યવાહી થાય તો જ આ વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમોનું બેલેન્સ થાય તેમ છે. હાલ આ વિસ્તારમાં પોલરાઈઝેશન થવાથી આ વિસ્તાર સંવેદનશિલ બનતો જાય છે. રૈયા રોડ પર દર વર્ષે જન્માષ્ટમી નિમિતે સોભાયાત્રા નિકળે ત્યારે પણ આ સંવેદનશીલ વિસ્તારમાં વિશેષ બંદોબસ્તની જરૂર રહે છે.
હાલ આ વિસ્તારમાં જે મકાનોના સોદા થઈ રહ્યા છે તેમાં બ્લેક મનીનો પણ ઉપયોગ થઈ રહ્યો છે. સાથો સાથ મની લોન્ડરીંગ પણ થયું હોય તેવુ જણાય છે. આવેદનમાં આક્ષેપ કરાયો છે કે, સૌપ્રથમ મુસ્લિમ લોકો મકાનમાં ગેરકાયદે મસ્જિદ બનાવે છે તેથી આજુબાજુમાં રહેતા હિન્દુઓ ત્યાંથી હિઝરત કરવા માંડે તેવી પરિસ્થિતિઓનું નિર્માણ થાય છે અને એક બીજાને સંમતિ આપી મકાન વેચવા પ્રેરાય છે. આવેદનપત્રમાં કેટલાક મકાનોના શંકાસ્પદ વેચાણો અંગે પણ લેખીત રજૂઆત કરવામાં આવી છે.