સિવિલમાં દર્દીઓ માટે રાખ્યેલી એમ્બ્યુલન્સ દેખાવા પુરતી !!
દર્દીઓ ખાનગી સેવા લેવા લાચાર
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઘરમાં કોઈ મેડિકલ ઈમરજન્સી આવી ગઈ અને રાજકોટ સિવિલ હોસ્પિટલ જવાનું થયું તો હોસ્પિટલમાંથી એમ્બ્યુલન્સ મળશે એવી આશા ના રાખતા કારણ કે રાજકોટ સિવિલ હોસ્પિટલની ૧૪ માંથી માત્ર ૪ જ એમ્બ્યુલન્સ ચાલુ હાલતમાં છે. બાકી ૧૦ એમ્બ્યુલન્સ કટાયેલી સ્થિતિમાં છે. હોસ્પિટલની દશાની જેમ જ એમ્બ્યુલન્સના ટાયર પણ પંચર હાલતમાં છે. રાજકોટની સિવિલ હોસ્પિટલ તંત્રની લાલિયાવાડીનો વધુ એક બોલતો પૂરાવો સામે આવે છે.
સિવિલમાં ઈમરજન્સીમાં દર્દીઓ લાવવા, લઈ જવા માટેની એમ્બ્યુલન્સ જ નાદુરસ્ત હાલતમાં પડી છે. દર્દીઓ ખાનગી એમ્બ્યુલન્સ લેવા મજબુર બની રહ્યા છે. હાલ સિવિલ હોસ્પિટલની ૧૪ પૈકી માત્ર ૪ હોસ્પિટલ જ કાર્યરત છે અને આ ૪ પૈકી પણ માત્ર ૨ જ દર્દીઓ માટે કામની છે. તો શું હવે સૌરાષ્ટ્રના દર્દીઓએ સસ્તી સારવારના દિવસો ભૂલી જવાના? આ સવાલ એટલા માટે કરાઈ રહ્યો છે કારણ કે દર્દીને હોસ્પિટલ લાવવા લઈ જવા માટે ખાનગી એમ્બ્યુલન્સ બુક કરાવવી પડશે અને નબળા ખિસ્સા પર વધારે ભાર આપવો પડશે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ સિવિલમાં સારવાર માટે આવતા હોય છે. ત્યારે પોતાના ખીસ્સા ભરવામાં ગુલતાન અધિકારીઓ અને નેતાઓ દર્દીઓનો વિચાર ન જ આવે. જ્યાં સરકારી હોસ્પિટલમાં કિમી દીઠ ૧ કે ૨ રૂપિયા ચૂકવીને એમ્બ્યુલન્સ મળી જાય. એની સામે લોકો ખાનગી એમ્બ્યુલન્સો માંગે એ ભાવ આપી દેવા મજબૂર બન્યા છે. સ્વાભાવિક જ સવાલ તો ઊઠવાના જ છે. પ્રજાના પૈસાનું પાણી થવાના આક્ષેપ છે. સાથે જ્યારે VIP નું આવાગમન હોય ત્યારે પણ ૪ માંથી એકાદ-બે એમ્બ્યુલન્સ તો હાજર ન જ હોય.
- ICU એમ્બ્યુલન્સ ૩ જેમાંથી ૨ ચાલુ
- ૧ ઇનોવા એમ્બ્યુલન્સ માત્ર નર્સિંગ તબીબ માટે
- ૨ શબવાહિની એમ્બ્યુલન્સ બંધ હાલતમાં
- ૧ બ્લડ ડોનેશન વાહન બંધ હાલતમાં
- ૪ સાદી એમ્બ્યુલન્સમાંથી ૨ ચાલુ, બે દયનીય હાલતમાં
- ૧ તુફાન એમ્બ્યુલન્સ મેડિકલ કેમ્પ માટે
- ૧ છોટા હાથી એમ્બ્યુલન્સ લોકલ દર્દીઓ માટે
ત્યારે સવાલ એ છે કે હવે આમાં સામાન્ય નાગરિકોનું શું થાય. એટલે અત્યારે તો દર્દીઓને હાલાકી વેઠવાનો જ વારો આવ્યો છે અને આ હાલાકી જ દર્દીઓ અને તેમના સગના મનમાં આશંકાઓ પેદા કરી રહી છે કે. શું સિવિલ તંત્ર અને ખાનગી એમ્બ્યુલન્સ વચ્ચે સાંઠગાંઠ છે ? ક્યાં સુધી સૌરાષ્ટ્રવાસીઓ લૂંટાયા કરશે ? આ એમ્બ્યુલન્સ ક્યારે રિપેર થશે? ક્યાં સુધી ખાનગી એમ્બ્યુલન્સને આધારે રહેવુ પડશે ?