Last Updated on by Sampurna Samachar
વહેલી સવારથી જ લોકો આવી જાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટમાં આધારકાર્ડ અપડેટ માટે મોટી સંખ્યામાં અરજદારો ઉમટી પડ્યા હતા પરંતુ તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા ના કરાતા અરજદારોમાં રોષનો માહોલ સર્જાયો છે. રાજકોટના ઇસ્ટ ઝોન કચેરીમાં આધાર કાર્ડ અપડેટ કરાવવા આવેલા નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકો આધાર કાર્ડ અપડેટ કરાવવા આવતાં લાંબી લાઈનો લાગી છે.
કચેરી દ્વારા અરજદારો માટે બેસવાની કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતા લોકોને લાંબો સમય ઊભા રહેવું પડે છે. અરજદારો વૃક્ષના છાયામાં, ઓટલા પર અને જ્યાં જગ્યા મળે ત્યાં ઊભા રહીને પોતાનો વારો આવે તેની રાહ જોતા જોવા મળે છે.આ અંગે નાગરિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તેઓ કચેરી દ્વારા આ બાબતે કોઈ વ્યવસ્થા ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરી રહ્યા છે.