વિદ્યાર્થીની શાળાએથી ઘરે પરત ફરતી વખતે બની ઘટના
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં અકસ્માતની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં રાજકોટના આજીડેમ નજીક ચોકડી પાસે એક વિદ્યાર્થિનીને કન્ટેનર ચાલકે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું છે. દીકરીના મોતથી પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે.
મળતી માહિતી અનુસાર રાજકોટના આજીડેમ ચોકડી નજીક વિદ્યાર્થીની શાળાએથી ઘરે આવી રહી હતી. તે દરમિયાન પાછળથી આવતા કન્ટેનરે જોયા વિના જ વિદ્યાર્થિનીને અડફેટે લઈ લીધી. અકસ્માત દરમિયાન વિદ્યાર્થિની જમીન પર પડી અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. ઘટનાને જોતા આસપાસના સ્થાનિકો ભેગા થઈ ગયા અને તાત્કાલિક ધોરણે તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જોકે, દુર્ભાગ્યથી વિદ્યાર્થિનીનું સારવાર દરમિયાન જ મોત થઈ ગયું હતું. દીકરીના મોતથી તેમના પરિવારજનોમાં શોકનો માહોલ ફેલાયો છે. હજુ સુધી કન્ટેનર ચાલક કોણ હતો અને ક્યાંથી હતો તે વિશે કોઈ માહિતી સામે આવી નથી. સમગ્ર મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કન્ટેનર ચાલક વિશે તપાસ હાથ ધરી છે.