Last Updated on by Sampurna Samachar
સરખેજમાં પાર્સલની આડમાં ચાલતું દારૂનું નેટવર્ક ઝડપાયું
રિક્ષામાં ઉપરના ભાગે પાર્સલ હતા, પરંતુ તેની નીચે વિદેશી દારૂની કુલ ૪,૪૦૧ બોટલો છુપાવેલી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ચુસ્ત દારૂબંધી હોવા છતાં બુટલેગરો અવનવી તરકીબો અજમાવી રહ્યા છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાં પોલીસે બાતમીના આધારે નરીમનપુરા કેનાલ નજીક પાર્સલની આડમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક રીક્ષાચાલકને ઝડપી પાડ્યો છે. પોલીસે તપાસ કરતા રીક્ષામાંથી મોટી સંખ્યામાં સંખ્યામાં દારૂની બોટલો મળી આવી છે.

મળતી માહિતી અનુસાર, સરખેજ પોલીસની ટીમ જ્યારે પેટ્રોલિંગમાં હતી, ત્યારે તેને ચોક્કસ બાતમી મળી હતી કે એક લોડિંગ રીક્ષામાં પાર્સલની આડમાં દારૂનો મોટો જથ્થો લઈ જવા૨માં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નરીમનપુરા ગામની કેનાલ નજીક નાકાબંધી કરી હતી.
કાલુરામ આ દારૂનો જથ્થો છેક ગોવાથી મંગાવતો હતો
શંકાસ્પદ રિક્ષા આવતા જ તેને અટકાવી તલાશી લેતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. રિક્ષામાં ઉપરના ભાગે પાર્સલ હતા, પરંતુ તેની નીચે વિદેશી દારૂની કુલ ૪,૪૦૧ બોટલો છુપાવેલી હતી.
ઝડપાયેલા આરોપીની પૂછપરછમાં તેનું નામ કાલુરામ બિશ્નોઈ હોવાનું બહાર આવ્યું છે. મૂળ રાજસ્થાનનો અને હાલ અમદાવાદના સીટીએમ વિસ્તારમાં રહેતો કાલુરામ આ દારૂનો જથ્થો છેક ગોવાથી મંગાવતો હતો. પોલીસને છેતરવા માટે તે રિક્ષામાં પાર્સલ રાખતો અને પૂછપરછ દરમિયાન પુરાવા તરીકે ખોટી બિલ્ટીઓ તથા બોગસ બિલો બતાવતો હતો, જેથી પોલીસ તેને કુરિયર કે પાર્સલ સર્વિસ સમજી જવા દે.
પોલીસે આ દરોડા દરમિયાન કુલ ૫,૮૩,૨૨૫નો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં ૪.૭૮ લાખનો દારૂ, ૧ લાખની કિંમતનો લોડિંગ ટેમ્પો અને મોબાઈલ ફોનનો સામેલ છે. પકડાયેલ આરોપી કાલુરામ વિશ્નોઈ અગાઉ વર્ષ ૨૦૧૭માં ઓઢવ પોલીસ સ્ટેશનમાં એક્ટ હેઠળ ગુનો નોંધાઈ ચૂક્યો છે. હાલ સરખેજ પોલીસે આ મામલે ગુનો નોંધી દારૂ મંગાવનાર અને મોકલનાર અન્ય શખ્સો સુધી પહોંચવા તપાસ તેજ કરી છે.