Last Updated on by Sampurna Samachar
રખડતા પ્રાણીઓના હુમલા અને કરડવાના બનાવોમાં વધારો
હાઇવે પર પેટ્રોલિંગ કરવું જોઈએ અને રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજસ્થાન હાઇકોર્ટે રાજ્યભરમાં રખડતા શ્વાન અને અન્ય પશુઓના વધતા જોખમ પર સુઓમોટો અરજી લેતા અનેક કડક નિર્દેશ જાહેર કર્યા છે. કોર્ટે ન્યાયમિત્રના અહેવાલ પરથી સરકારને જવાબ માટે સમય આપીને જરૂરી નિર્દેશ જાહેર કર્યા છે. જસ્ટિસ કુલદીપ માથુર અને જસ્ટિસ રવિ ચિરાનિયાની ખંડપીઠ સમક્ષ ન્યાયમિત્રના વકીલ વરિષ્ઠ એડવોકેટ ડૉ. સચિન આચાર્ય, એડવોકેટ પ્રિયંકા બોરાના અને એડવોકેટ હેલી પાઠકે પોતાનો પક્ષ મૂક્યો હતો.

ન્યાયમિત્રએ કહ્યું કે, નાગરિકોની સુરક્ષિત અવરજવર સુનિશ્ચિત કરવું એ મ્યુનિસિપલ કોર્પોરેશન, નેશનલ હાઇવે ઓથોરિટી અને અન્ય એજન્સીઓની કાનૂની ફરજ છે. તેમ છતા, અધિકારીઓની બેદરકારીના કારણે રખડતા પ્રાણીઓના હુમલા અને કરડવાના બનાવોમાં વધારો થયો છે, જેના કારણે માનવ જીવન જોખમમાં મૂકાય છે. આ સિવાય દેશ-વિદેશના પ્રવાસીઓમાં રાજ્યની છબી ખરડાય છે.
રખડતા શ્વાનની સમસ્યા ખૂબ જ ગંભીર
નોંધનીય છે કે, એમ્સ જાેધપુરે ૧૦ ઓગસ્ટે એડવોકેટ પ્રિયંકા બોરાનાને પત્ર મોકલીને પોતાના પરિસરમાં રખડતા શ્વાનની સમસ્યા અને દર્દી તેમજ સ્ટાફ પર હુમલાની ઘટનાઓની જાણકારી આપી હતી. કોર્ટે આ પત્રને ધ્યાને લઈ સુનાવણી હાથ ધરી હતી. સુનાવણી બાદ રાજ્ય સરકાર અને સંસ્થાઓને સમય આપી જરૂરી નિર્દેશ જાહેર કર્યા હતા. જેમાં ડૉગ શેલ્ટર અને ગૌશાળાઓની સ્થિતિ પર વિસ્તૃત રિપોર્ટ મ્યુનિસિપલ કોર્પોરેશને આગલી સુનાવણી દરમિયાન રજૂ કરવાનો રહેશે.
સંવેદશનશીલ સ્થળો પર પ્રાથમિકતા: કોર્પોરેશન જોધપુર, એમ્સ જોધપુર અને જિલ્લા ન્યાયાલયના પરિસરથી તુરંત રખડતા શ્વાનને દૂર કરવામાં આવે. હાઇવે પેટ્રોલિંગ: રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગના સત્તાધીશોએ નિયમિતપણે હાઇવે પર પેટ્રોલિંગ કરવું જોઈએ અને રખડતા પ્રાણીઓને દૂર કરવા જોઈએ.
સુપ્રીમ કોર્ટે રખડતા શ્વાનની સમસ્યાને ખૂબ જ ગંભીર જણાવી છે. સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકાર અને કોર્પોરેશનને તમામ વિસ્તારોથી રખડતા શ્વાનને જલ્દી ખસેડી શેલ્ટર હોમમાં મૂકવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આ અભિયાનમાં અડચણ ઊભી કરનારા લોકો સામે કડક કાયદાકીય કાર્યવાહીની ચેતવણી પણ આપી છે.