Last Updated on by Sampurna Samachar
ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો
પાંચ હજાર વાર દોરીની ફિરકી ૧૨૦૦ રૂપિયામાં વેચાય છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં ઉત્તરાયણનો માહોલ બરાબરનો જામ્યો છે. વડાપ્રધાન મોદીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. ઉત્તરાયણની લોકો છેલ્લી ઘડીની ખરીદી માટે માર્કેટમાં પહોંચ્યા ત્યારે પતંગ અને દોરીના સ્ટોલ પાસે લોકોની ભીડ જામેલી જોવા મળી રહી છે. અમદાવાદ શહેરમાં રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તાર સહિતના માર્કેટમાં ખરીદી જામી છે.

અમદાવાદના રાયપુર અને દિલ્લી દરવાજા વિસ્તારમાં પતંગ અને દોરીની ખરીદી માટે લોકોની ભીડ જામે છે. ગત વર્ષ કરતાં પતંગના ભાવમાં આ વખતે ભારે વધારો થયો છે. ગત વર્ષના ૧૩૦ રૂપિયાના ભાવ સામે આ વર્ષે એક કોડી પતંગનો ભાવ ૧૫૦ રૂપિયા થયો છે. કોડીએ પતંગના ભાવમાં ૨૦ રૂપિયા કરતાં વધુનો વધારો થયો છે. દોરીની વાત કરીએ તો પાંચ હજાર વાર દોરીની ફિરકી એક હજારની સામે ૧૨૦૦ રૂપિયામાં વેચાઈ રહી છે.
ઉજવણીમાં લોકો ભારે ખરીદી કરી રહ્યા છે
આ વખતે ઊંધિયુ, જલેબી અને ચિક્કીના ભાવમાં પણ વધારો થયો છે. ભાવ વધારો હોવા છતાં લોકો તહેવારની મસ્ત બનીને ઉજવણી કરી રહ્યાં છે. તહેવારની મોજ માટેની ઉજવણીમાં લોકો ભારે ખરીદી પણ કરી રહ્યાં છે.