Last Updated on by Sampurna Samachar
જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં ભયાનક વરસાદથી તારાજી
રસ્તાઓ અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ-કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદ અને પૂરથી ભારે તબાહી સર્જાઈ છે. જેના કારણે જમ્મુમાં ૧૧૫ વર્ષ જૂનો વરસાદનો રૅકોર્ડ તૂટી ગયો છે, જ્યારે હિમાચલના ચંબા, લાહૌલ-સ્પીતિ અને કુલ્લુમાં રસ્તાઓ અને ટેલિકોમ્યુનિકેશન સેવાઓ છેલ્લા ત્રણ દિવસથી બંધ છે.
જમ્મુમાં ૨૪ કલાકમાં ૩૮૦ મીમી વરસાદ પડ્યો, જેણે ૧૧૫ વર્ષ જૂનો રૅકોર્ડ તોડી નાખ્યો. વર્ષ ૧૯૧૦ પછી આ સૌથી ભારે વરસાદ છે, જેણે ૧૯૮૮ના ૨૭૦.૪ મીમીના રૅકોર્ડને પાછળ છોડ્યો છે. તાવી નદી ૩૪ ફૂટ (ખતરાનું નિશાન ૧૪ ફૂટ) અને ચિનાબ નદી ૪૯ ફૂટ (ખતરાનું નિશાન ૩૫ ફૂટ) સુધી ઊછળી. કઠુઆમાં રાવી નદી સિવાય હવે મોટાભાગની નદીઓ ખતરાના નિશાનથી નીચે છે.
કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઇન ૧૧૨ ડાયલ કરી શકો
હિમાચલમાં ચંબા, લાહૌલ-સ્પીતિ અને કુલ્લુમાં ત્રણ દિવસથી રસ્તાઓ અને ફોન નેટવર્ક બંધ છે. બિયાસ નદીમાં પૂર આવવાથી રસ્તાઓ અને પુલ ધોવાઈ ગયા છે. ચંબાના ભરમૌરમાં મણિમહેશ યાત્રાના હજારો શ્રદ્ધાળુઓ અને લાહૌલમાં પ્રવાસીઓ-ટ્રક ડ્રાઇવરો ફસાયા છે. કટરામાં માતા વૈષ્ણોદેવીની યાત્રા અટકાવી દેવાઈ છે.
જમ્મુ કાશ્મીરમાં કિશ્તવાડ, ડોડા અને કટરામાં વાદળ ફાટવાથી ભારે તબાહી થઈ. ઉધમપુરમાં ૧૨ કલાકમાં ૫૪૦ મીમી વરસાદ પડ્યો, જેણે બધા રૅકોર્ડ તોડ્યા. જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ જખેની અને ચેના ક્ષતિગ્રસ્ત થવાથી બંધ છે. સિન્થન રોડ પણ બંધ છે, જ્યારે મુગલ રોડ પર સાવચેતી સાથે વાહનવ્યવહાર ચાલુ છે.
ભારતીય સેના, NDRF, SDRF, CRPF પોલીસ અને સ્થાનિક લોકો રાહત કાર્યોમાં લાગેલા છે. લગભગ ૪૦૦૦ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે. તેમજ ફસાયેલા પ્રવાસીઓ માટે જમ્મુથી દિલ્હી માટે ૨૮મી ઑગસ્ટના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે એક વિશેષ ટ્રેન ચલાવવામાં આવી.
હવામાન વિભાગે ૨૯મી ઑગસ્ટથી ૪થી સપ્ટેમ્બર સુધી ઉત્તર ભારતમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. કાશ્મીરમાં પૂરનો ખતરો ઓછો છે, પરંતુ જમ્મુમાં સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે. આ સાથે જ કોઈપણ કટોકટીની સ્થિતિમાં હેલ્પલાઇન ૧૧૨ ડાયલ કરી શકો છો.