Last Updated on by Sampurna Samachar
પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશના અનેક રાજ્યોમાં ચોમાસાની જોરદાર શરૂઆત થઇ ગઇ છે. ઘણા વિસ્તારોમાં કાળઝાળ ગરમી વચ્ચે રાહતનો વરસાદ શરૂ થયો છે. જેમ જેમ ચોમાસુ આગળ વધી રહ્યું છે. તેમ તેમ વરસાદનો વ્યાપ પણ વિસ્તરી રહ્યો છે. દક્ષિણ ભારત અને ઉત્તરપૂર્વ રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે, ત્યારે દિલ્હી અને ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં ચોમાસાના પહેલા વરસાદથી હવામાન ખુશનુમા બન્યું છે. રાજધાની દિલ્હીમાં ભારે પવન અને હળવા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થયો છે.
દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અત્યાર સુધી બિહાર, ઝારખંડ, મધ્યપ્રદેશ અને ઓડિશાના મોટાભાગના ભાગોમાં પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ચોમાસુ આગામી બે દિવસમાં ગુજરાત, રાજસ્થાન, પૂર્વી ઉત્તર પ્રદેશ અને ઉત્તર અરબી સમુદ્ર સુધી વધુ વિસ્તરી શકે છે. રાજધાની દિલ્હીમાં ચોમાસા પહેલાના વરસાદથી કાળઝાળ ગરમીથી ઘણી રાહત મળી છે. આગામી ત્રણ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે તાપમાનમાં વધુ ઘટાડો થઈ શકે છે.
UP માં મધ્યમથી ભારે વરસાદની શક્યતા
ભારતીય હવામાન વિભાગ અનુસાર, બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના ગંગાના મેદાનોમાં લો પ્રેસર સક્રિય થયું છે. આ પ્રેસરની અસરને કારણે પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ અને ઓડિશામાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ઉત્તર પ્રદેશમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે, તો કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત પશ્ચિમ હિમાલય પ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, વિદર્ભ, મરાઠવાડા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, રાયલસીમા, કર્ણાટકમાં પણ ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં આગામી ૨૪ કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો કોંકણ, ગોવા, કેરળ, આંદામાન-નિકોબાર અને લક્ષદ્વીપમાં પણ સતત વરસાદની સ્થિતિ છે.