Last Updated on by Sampurna Samachar
મુખ્યમંત્રી ભગવંત માને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી સાથે કરી વાતચીત
(સંપૂર્ણ સમાચાર સેવા)
છેલ્લા કેટલાક દિવસોથી પંજાબમાં સતત વરસાદ અને પૂરના કારણે ભારે વિનાશ સર્જાયો છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં પૂરને કારણે લોકો ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે પાક અને ખેડૂતોના પશુઓને ભારે નુકસાન થયું છે. પંજાબમાં ૩૦ લોકોના મોત થયાની માહિતી છે.
ચીનની મુલાકાત બાદ દિલ્હી પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન સાથે ફોન પર વાત કરી અને રાજ્યમાં વરસાદ અને પૂર અંગે ચર્ચા કરી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન હોશિયારપુર જિલ્લાના કેટલાક અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી.
અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોટા પાયે રાહત કાર્ય ચાલુ
પંજાબમાં આવેલા પૂરથી ૧૦ થી વધુ જિલ્લાના ૧,૦૦૦ થી વધુ ગામડાઓ પ્રભાવિત થયા છે. આનાથી ૨.૫ લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. મુખ્યમંત્રી ભગવંત માને દાવો કર્યો છે કે તેમની આપ સરકાર લોકોને દરેક પૈસાના નુકસાન માટે વળતર આપશે.
બીજી તરફ, કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના કાર્યાલયે જણાવ્યું હતું કે તેઓ પાકને થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ટૂંક સમયમાં પંજાબની મુલાકાત લેશે. એક સત્તાવાર નિવેદન અનુસાર, મંત્રીએ વિવિધ રાજ્યોમાં વરસાદની સ્થિતિની સમીક્ષા કરવા માટે એક બેઠક યોજી હતી અને પંજાબમાં પૂર અને પાક પર તેની અસર અંગે અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરી હતી.
કેબિનેટ મંત્રી હરદીપ સિંહ મુંડિયનએ જણાવ્યું હતું કે પંજાબમાં મુખ્યમંત્રી ભગવંત સિંહ માનના નેતૃત્વ હેઠળની સરકાર દરેક પરિસ્થિતિનો સામનો કરવા અને અસરગ્રસ્ત લોકોને રાહત આપવા માટે સતત સખત મહેનત કરી રહી છે. તેમણે કહ્યું કે પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને, તમામ અસરગ્રસ્ત જિલ્લાઓમાં મોટા પાયે રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે.
ગુરદાસપુરથી ૫૫૪૯, પઠાણકોટથી ૧૧૩૯, અમૃતસરથી ૧૭૦૦, ફિરોઝપુરથી ૩૩૨૧, ફાઝિલકાથી ૨૦૪૯ અને હોશિયારપુરથી ૧૦૫૨ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બર્નાલામાંથી ૨૫, કપૂરથલામાંથી ૫૧૫, તરનતારનમાંથી ૬૦, મોગામાંથી ૧૧૫ અને માનસામાંથી ૧૬૩ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. બેઘર પરિવારોને તાત્કાલિક રહેઠાણ પૂરું પાડવા માટે પંજાબમાં ૧૨૯ કેમ્પ સ્થાપવામાં આવ્યા છે.
અમૃતસરમાં ૧૬, બર્નાલામાં ૧, ફાઝિલ્કામાં ૧૦, ફિરોઝપુરમાં ૮, ગુરદાસપુરમાં ૨૫, હોશિયારપુરમાં ૨૦, કપૂરથલામાં ૪, માનસામાં ૧, મોગામાં ૯, પઠાણકોટમાં ૧૪, સંગરુરમાં ૧ અને પટિયાલા જિલ્લામાં ૨૦ કેમ્પનો સમાવેશ થાય છે.