Last Updated on by Sampurna Samachar
ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો
૯ થી ૧૨ જૂન વચ્ચે વરસાદનું પૂર્વાનુમાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
હવામાન વિભાગ દ્વારા ૯ જૂનથી પૂર્વોત્તર રાજ્યોમાં અને ૧૧ જૂનથી દક્ષિણ દ્વીપકલ્પીય ભારતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઇ છે. તે જ સમયે, ૮ થી ૧૦ જૂન દરમિયાન પશ્ચિમ રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દક્ષિણ ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

દેશમાં મુંબઈ, ભુવનેશ્વર, પુરી, સંદીપ દ્વીપ અને બલાંગીરની ઉત્તરીય સરહદ પર ચોમાસુ પહોંચી ગયું છે. છેલ્લા ૨૪ કલાકમાં, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, અરુણાચલ પ્રદેશ અને આસામ સહિત ઘણા રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો છે.
ખેડૂતોને સાવચેત રહેવા સલાહ
આ સાથે, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, મહારાષ્ટ્ર, ગુજરાત, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, મણિપુર, ત્રિપુરા અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારોમાં ૬૦-૮૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે વાવાઝોડા અને વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી સાત દિવસમાં પૂર્વોત્તર ભારતના મોટા ભાગના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદ સાથે કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરી અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં ૯ થી ૧૨ જૂન વચ્ચે વરસાદનું પૂર્વાનુમાન છે.
ઉત્તરી પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ અને બિહારમાં પણ ૬થી ૧૦ જૂન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદ અને કેટલીક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. ગંગાના મેદાની વિસ્તારમાં ૪૦-૫૦ કિમીની ઝડપી પવન ફૂંકાઈ શકે છે. તો પશ્ચિમી રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દક્ષિણી ઉત્તર પ્રદેશ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં ૮ થી ૧૦ જૂન વચ્ચે હીટ વેવની સ્થિતિ રહેશે. હવામાન વિભાગે કિસાનો અને સામાન્ય જનતાને સતર્ક રહેવા અને જરૂરી સાવચેતી રાખવાની સલાહ આપી છે.