Last Updated on by Sampurna Samachar
૮ મેડિકલ સ્ટોર્સમાં દરોડા કરી નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો
પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકશે નહીં
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના નાગરિકોને જીવન જરૂરી દવાઓ શુદ્ધ અને ગુણવત્તાયુક્ત મળી રહે તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર આળસ મરડીને બેઠું થયું છે. અમદાવાદમાં ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપનું વેચાણ કરતાં ૮ મેડિકલ સ્ટોર્સમાં દરોડા કરી નોટિસ ફટકારી ખુલાસો માંગ્યો છે.

અમદાવાદ ખાતે આવેલા વિવિધ ૮ જેટલા મેડિકલ સ્ટોર્સની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. જેમાં ઘાટલોડીયામાં આવેલી એપોલો ફાર્મસી અને ક્રિષ્ના મેડિકલ, સેટેલાઇટની સોલક્યોર ફાર્મસી, નમનીધી ફાર્મા, નમ: વેલનેસ અને નટરાજ મેડિકલ સ્ટોર્સ તેમજ એપોલો ફાર્મસી, વેજલપુર અને એપોલો ફાર્મસી, પ્રહલાદનગરનો સમાવેશ થાય છે. આ દરોડા દરમિયાન સામે આવ્યું હતું કે અનેક સ્ટોર્સ સરકારની ગાઈડલાઇનનું ઉલ્લંઘન કરી બેફામ કફ સિરપનું વેચાણ કરી રહી છે.
અગાઉ મધ્યપ્રદેશમાં કફસિરપથી બાળકોના મોતનો મામલો
તપાસમાં એ પણ ખુલાસો થયો હતો કે ૮ મેડિકલ સ્ટોર્સ પૈકી ૫ મેડિકલ સ્ટોર્સમાં રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટની ગેરહાજરીમાં કફ સિરપની દવાનું વેચાણ કરવામાં આવતું હતું. બાકીના અન્ય ૩ મેડિકલ સ્ટોર્સ પૈકી ૨ મેડિકલ સ્ટોર્સ ખાતે રજીસ્ટર્ડ ફાર્માસિસ્ટ હાજર હતા અને કફ સિરપ દવાનું વેચાણ કરતાં હતા. જ્યારે ૧ મેડિકલ સ્ટોર્સ તપાસ સમયે બંધ હતો. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા આ તમામ ૮ મેડિકલ સ્ટોર્સને કારણદર્શક નોટિસ આપીને તાત્કાલિક ખુલાસો કરવાં જણાવવામાં આવ્યું છે. મેડિકલ સ્ટોર્સના ખુલાસા આવ્યા બાદ તંત્ર દ્વારા નિયમોનુસાર કડકમાં કડક કાર્યવાહી થશે.
થોડા મહિના અગાઉ મધ્યપ્રદેશમાં કફસિરપ પીવાના કારણે બાળકોના મોત થયા હતા. જે બાદ નવેમ્બર ૨૦૨૫માં સરકારે ટોચની નિયામક ઔષધ પરામર્શ સમિતિ સાથે ૬૭માં બેઠક કરી હતી. જેમાં કફ સિરપની અનિયંત્રિત વેચાણ પર પ્રતિબંધ મૂકવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.
અને આદેશ કરાયો હતો કે દેશમાં કોઈ પણ મેડિકલ સ્ટોર્સ હવે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર કફ સિરપ વેચી શકશે નહીં. મહત્વનું છે કે રજીસ્ટર્ડ ફાર્માસીસ્ટની ગેરહાજરી,એક્ષપાયર્ડ, ડુપ્લીકેટ દવાઓ, ગેરકાયદેસર વેચાતી કફ સિરપ, એમ.ટી.પી. કીટ તથા અન્ય ક્ષતીઓ બાબતે સને ૧૯૪૦ના ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવે છે.