સંભલમાં પીડિત પરિવારની મુલાકાતે જતા રોકવામાં આવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ નેતા રાહુલ અને પ્રિયંકા ગાંધી હિંસાગ્રસ્ત સંભલમાં પીડિત પરિવારોને મળવા જઈ રહ્યા હતા, આ દરમિયાન દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર તેમના કાફલાને પોલીસ પ્રશાસન દ્વારા રોકવામાં આવ્યો હતો. પોલીસે તેમને સંભલ જવા દીધા ન હતા. રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના અન્ય પાંચ સાંસદો ઝીપુર બોર્ડર પર પહોંચ્યા, જ્યાં ભારે પોલીસ દળ તૈનાત કરવામાં આવ્યું હતું અને તેમને સંભલમાં પ્રવેશતા અટકાવવા માટે બેરિકેડ લગાવવામાં આવ્યા હતા.
રાહુલ ગાંધીની મુલાકાતને કારણે સંભલમાં ચુસ્ત બંદોબસ્ત છે અને જિલ્લાની સરહદો પર તપાસ કરવામાં આવી રહી છે. સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેન્સિયાએ ગૌતમ બુદ્ધ નગર અને ગાઝિયાબાદના પોલીસ કમિશ્નરો અને અમરોહા તથા બુલંદશહર જિલ્લાના પોલીસ અધિક્ષકોને પત્ર લખ્યો હતો, જેમાં તેમને આગ્રહ કરવામાં આવ્યો હતો કે તેઓ સંભલની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાહુલ ગાંધીને તેમના જિલ્લાઓની સરહદો પર રોકે.
સંભલના પોલીસ અધિક્ષક કૃષ્ણ કુમારે પત્રકારોને જણાવ્યું હતું કે, “તમામ જનપ્રતિનિધિઓને ૧૦ ડિસેમ્બર સુધી જિલ્લામાં ન આવવા વિનંતી કરવામાં આવે છે. આ માટે તેમને એક સંદેશ પણ મોકલવામાં આવ્યો છે અને તેમને સંભલ જિલ્લામાં BNSS ૧૬૩ના અમલીકરણ વિશે પણ જાણ કરવામાં આવી છે. હું આશા રાખું છું કે તેઓ સંભલમાં શાંતિ અને વ્યવસ્થા જાળવવામાં અમને સહકાર આપશે.”
શાંતિ અને વ્યવસ્થા જાળવવા માટે, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતાની કલમ ૧૬૩ સંભલમાં ૩૧ ડિસેમ્બર સુધી અમલમાં રહેશે. આ સાથે, સંભલમાં બહારના લોકોના પ્રવેશ પરનો પ્રતિબંધ શનિવારે સમાપ્ત થઈ રહ્યો છે, જિલ્લા મેજિસ્ટ્રેટે તેને ૧૦ ડિસેમ્બર સુધી લંબાવી દીધો છે. ગયા અઠવાડિયે, સમાજવાદી પાર્ટીના ઘણા સાંસદોને જિલ્લામાં પ્રવેશતા અટકાવવામાં આવ્યા હતા