Last Updated on by Sampurna Samachar
પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જુઓ શુ કહ્યું
રાહુલ ગાંધીના “વોટ ચોરી”ના આરોપોની ટીકા કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ચૂંટણી પંચ અને કેન્દ્ર સરકાર પર વોટ ચોરીના આરોપોની ભાજપના નેતાઓ દ્વારા ટીકા કરવામાં આવી છે. ભાજપના સાંસદ અનુરાગ ઠાકુરે લોકસભામાં વિપક્ષના નેતા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના વોટ ચોરીના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે.
કેન્દ્ર સરકાર અને ચૂંટણી પંચ સામે રાહુલ ગાંધીના “વોટ ચોરી”ના આરોપોની ટીકા કરતા ઠાકુરે કહ્યું કે રાહુલ ગાંધી ભારતમાં બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવા માંગે છે. ભારતનું ચૂંટણી પંચ કોઈપણ પક્ષપાત વિના કામ કરી રહ્યું છે. રાહુલ ગાંધી લોકશાહીને નબળી પાડી, નાગરિકોને ગેરમાર્ગે દોરવા અને બાંગ્લાદેશ અને નેપાળ જેવી પરિસ્થિતિ ઊભી કરવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત છે.
લોકશાહી બચાવવા માટે અહીં આવ્યા નથી તે સ્વીકાર્યું
પૂર્વ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે ઘુસણખોરોનું રાજકારણ એ રાહુલ ગાંધીનો એકમાત્ર એજન્ડા છે. તેમણે કહ્યું કે જો ગેરકાયદેસર મતદારોને બચાવવાના કોંગ્રેસના કથિત એજન્ડાને પ્રોત્સાહન આપીએ તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગોના હિતોને સૌથી વધુ નુકસાન થશે.
ચીફ ઈલેક્શન કમિશનર જ્ઞાનેશ કુમારની વારંવાર ટીકા બાદ ચૂંટણી પંચનો બચાવ કરતાં ભાજપના નેતાએ યુપીએ સરકારમાં મંત્રી તરીકે સેવા આપનારા ભૂતપૂર્વ ચીફ ઈલેક્શન કમિશનર એમએસ ગિલ અને કોંગ્રેસની ટિકિટ પર લોકસભા ચૂંટણી લડનારા ટીએન શેષનના સંબંધોનો ઉલ્લેખ કરતાં વળતો પ્રહાર કર્યો હતો.
તેમણે કહ્યું કે, ૨૦૨૩ માં આલંદ વિધાનસભા મતવિસ્તારમાંથી નામ દૂર કરવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે પોતે જ આ સંદર્ભમાં FIR નોંધવાનો આદેશ આપ્યો હતો. ચૂંટણી પંચે પહેલાથી જ મોબાઇલ નંબર અને IP એડ્રેસ આપ્યા હતા. તેમ છતાં કોંગ્રેસ શાસિત કર્ણાટકની CID એ અત્યાર સુધી શું કર્યું ? રેકોર્ડ મુજબ, કોંગ્રેસના ઉમેદવાર આલંદ વિધાનસભા મતવિસ્તાર જીત્યા હતા.
તો, શું કોંગ્રેસ મત ચોરી કરીને જીતી? રાહુલ ગાંધીએ પોતે તેમની પ્રેસ કોન્ફરન્સમાં સ્વીકાર્યું કે તેઓ લોકશાહી બચાવવા માટે અહીં આવ્યા નથી. જો તેઓ બચાવવા માટે નથી આવ્યો તો શું તેમનો હેતુ તેનો નાશ કરવાનો છે? ટૂલકીટની મદદથી, તેઓ સતત આપણી બંધારણીય સંસ્થાઓ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
રાહુલ પર આકરા પ્રહાર કરતાં તેમણે આગળ કહ્યું કે, તેઓ નિરાશ છે કે કોંગ્રેસ તેમના નેતૃત્વમાં ૯૦ ચૂંટણી હારી ગઈ. તેથી, તેઓ હવે પાયાવિહોણા અને ખોટા આરોપો લગાવી રહ્યા છે.