Last Updated on by Sampurna Samachar
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કરી માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ, કોંગ્રેસના સાંસદ અને વિપક્ષના નેતા રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. આ માટે તેમણે રાહુલ વિરુદ્ધ વિશેષાધિકાર ભંગ અને ગૃહના અપમાનની નોટિસ પાઠવી છે. નિશિકાંત દુબેએ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને રાહુલ ગાંધી વિરુદ્ધની નોટિસ મોકલી આપી છે. તેમણે લોકસભા અધ્યક્ષને આ મામલો વિશેષાધિકાર સમિતિને મોકલવા કહ્યું છે.
નિશિકાંત દુબેએ એવી પણ અપીલ કરી છે કે, જ્યાં સુધી સમિતિ આ મામલે કોઈ યોગ્ય ર્નિણય ના લે ત્યાં સુધી રાહુલ ગાંધીને લોકસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવે. બીજેપી સાંસદે અમિત શાહના નિવેદનને વિકૃત કરવા અને તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ કરવા માટે વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી છે.
નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર આરોપ લગાવ્યો છે કે, વીડિયોમાં રાહુલ ગાંધી ઘાયલ થયેલા ભાજપના સાંસદ પ્રતાપ સારંગી સાથે જોવા મળ્યા હતા. ધક્કા મુક્કી બાદ દુબેએ રાહુલને કહ્યું હતું કે, તમને શરમ નથી આવતી. ગુંડાગીરી કરીને, વૃદ્ધને નીચે પછાડી દીધા. આના પર રાહુલે કહ્યું કે મેં ધક્કો માર્યો નથી, તેમણે મને ધક્કો માર્યો છે.
તેમજ સંસદમાં થયેલી ધક્કા મુક્કીમાં ભાજપના બે સાંસદો ઘાયલ થયા હતા. બંનેને દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બંને સાંસદોને માથામાં ઈજા થઈ હતી. સારંગીને પણ ટાંકા આવ્યા હતા. PM મોદીએ બંને સાંસદોને ફોન કરીને તેમની તબિયતની પૃચ્છા કરી હતી. રાજ્યસભામાં અમિત શાહે બંધારણ ઉપરની ચર્ચામાં આંબેડકર અંગે ઉચ્ચારેલા શબ્દોને લઈને સમગ્ર દેશમાં રાજકીય ગરમાવો છે.
છેલ્લા બે દિવસથી સંસદમાં આને લઈને સતત વિરોધ થઈ રહ્યો છે. આ અંગે ભાજપ અને કોંગ્રેસ બંને પોતપોતાની રીતે વિરોધ કરી રહ્યા છે. અમિત શાહે ૧૭ ડિસેમ્બરે સંસદમાં આંબેડકરના નામોલ્લેખ કરીને કોંગ્રેસ માટે ટિપ્પણી કરી હતી. ત્યારપછી કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ ભાજપ પર પ્રહારો કરી રહી છે.