Last Updated on by Sampurna Samachar
ભાજપ નેતાએ વર્ષ ૨૦૧૮ માં ફરિયાદ નોંધાવી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર વાંધાજનક ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ દાખલ કરાયેલી માનહાનિ કેસની સુનાવણી મોકૂફ રખાઈ છે. વકીલોના બહિષ્કારના કારણે સુનાવણી થઈ શકી ન હતી. એમપી-એમએલએ સ્પેશિયલ કોર્ટના મેજિસ્ટ્રેટ શુભમ વર્માએ આગામી સુનાવણી ૩૦ જાન્યુઆરીએ હાથ ધરવાનો ર્નિણય લીધો છે.
લોકસભામાં વિપક્ષના નેતા અને રાયબરેલીના સાંસદ રાહુલ ગાંધી પર બેંગ્લોરમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ છે. આ અંગે કોતવાલી દેહાત પોલીસ સ્ટેશનના હનુમાનગંજમાં રહેતા પૂર્વ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ અને ભાજપ નેતા વિજય મિશ્રાએ ચોથી ઓગસ્ટ-૨૦૧૮ના રોજ રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિની ??ફરિયાદ નોંધાવી હતી.
ભાજપના સ્થાનિક નેતા વિજય મિશ્રાએ ૨૦૧૮માં ગાંધી વિરુદ્ધ કોર્ટમાં માનહાનિની ??ફરિયાદ નોંધાવી હતી અને આરોપ લગાવ્યો હતો કે, કર્ણાટક ચૂંટણી દરમિયાન કોંગ્રેસના નેતાએ ભાજપના નેતા અમિત શાહ વિશે અપમાનજનક ટિપ્પણી કરી હતી જેનાથી તેમની લાગણીઓને ઠેસ પહોંચી હતી.
આ કેસ પાંચ વર્ષથી પેન્ડિંગ છે. આ પહેલા રાહુલ ગાંધી હાજર ન થતાં કોર્ટે ડિસેમ્બર-૨૦૨૩માં તેમને સમન્સ પાઠવતા વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ રાહુલ ગાંધીએ ફેબ્રુઆરી-૨૦૨૪માં કોર્ટમાં હાજર થયા હતા. પછી તેમનું નિવેદન ૨૬ જુલાઈ-૨૦૨૪ના રોજ નોંધવામાં આવ્યું હતું. વિશેષ મેજિસ્ટ્રેટ કોર્ટે તેમને જામીન આપ્યા હતા.
રાહુલ ગાંધીએ કોર્ટમાં નિર્દોષ હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, તેમની વિરુદ્ધ રાજકીય કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. ત્યારબાદ કોર્ટે ફરિયાદીને પુરાવા રજૂ કરવા આદેશ કર્યો હતો. ત્યારબાદ આગામી સુનાવણી ૧૬ ડિસેમ્બર-૨૦૨૪ હાથ ધરવાનો ર્નિણય કરાયો હતો, પરંતુ ન્યાયાધીશની ગેરહાજરીને કારણે સુનાવણી ટાળવામાં આવી હતી. ત્યારબાદ વકીલોની હડતાળના કારણે સુનવાણી મુલતવી રાખવામાં આવી છે અને આગામી સુનાવણી ૩૦ જાન્યુઆરીએ હાથ ધરવાનો ર્નિણય કરાયો છે.