ભાજપના સાંસદોએ એન્ટ્રી ગેટ પર રોક્યા જેથી ધક્કામુક્કી થઇ : રાહુલ ગાંધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદમાં હોબાળો થતાં વાતાવરણ ગરમાયું છે. વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર ભાજપના સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીને જમીન પર ધક્કો દેવાનો આરોપ લાગ્યો હતો. જોકે, રાહુલે સ્પષ્ટતા કરી હતી કે, અમને અંદર જતા અટકાવવામાં આવ્યા હતા અને ત્યાં અમને ધક્કો મારવામાં આવ્યો હતો.
રાહુલ ગાંધીએ સ્પષ્ટતા કરતા કહ્યું કે, અમે મકર દ્વારથી સંસદની અંદર જઈ રહ્યા હતા. ભાજપના લોકો ત્યાં ઉભા હતા અને તેમને અંદર જતા રોક્યા હતા. સ્થળ પર ધક્કામુક્કી થઈ હતી અને લોકો નીચે પડી ગયા હતા. આ લોકો બંધારણ પર હુમલો કરી રહ્યા છે અને આંબેડકરનું અપમાન કરી રહ્યા છે. મુખ્ય મુદ્દો એ છે કે, તેઓ બંધારણ પર હુમલો કરી રહ્યા છે.
રાહુલે ભાજપના સાંસદો પર તેમને એન્ટ્રી ગેટ પર રોકવાનો આરોપ લગાવ્યો છે. રાહુલનું કહેવું છે કે, તેઓ મને ધમકાવતા હતા અને ધક્કો મારતા હતા. અમે સીડી પર ઉભા હતા. રાહુલ કહે છે કે, બધું કેમેરામાં કેદ થઈ ગયું છે. ખડગેજી સાથે પણ ઝપાઝપી થઈ હતી. જોકે, ધક્કો મારવાથી કશું થશે નહીં. ભાજપના સાંસદો અમને સંસદમાં જતા રોકી શકશે નહીં. તે જ સમયે, બીજેપી સાંસદ પ્રતાપ ચંદ્ર સારંગીએ આરોપ લગાવ્યો કે, રાહુલ ગાંધીએ એક સાંસદને ધક્કો માર્યો અને તે સાંસદ આવીને મારા પર પડ્યા, જેના કારણે મને માથામાં ઈજા થઈ છે.
ભાજપના નેતાઓ તેમને મળવા પહોંચ્યા હતા અને તેમની ખબર પૂછી રહ્યા હતા. આ દરમિયાન, વાયનાડના સાંસદ અને રાહુલ ગાંધીની બહેન પ્રિયંકા ગાંધી વાડ્રાએ કહ્યું કે, ખડગે સાથે ઝપાઝપી થઈ હતી. બધું કેમેરામાં કેદ થયું છે. સંસદ સંકુલમાં ધક્કામુક્કીની ઘટનાઓ વધી રહી છે. હવે આ મામલે રાહુલ ગાંધી વિરુદ્ધ ફરિયાદ કરવા માટે ભાજપના ૩ સાંસદ સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા છે. બાંસુરી સ્વરાજ, અનુરાગ ઠાકુર અને હેમાંગ જોશી ફરિયાદ અરજી લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.