Last Updated on by Sampurna Samachar
વિપક્ષ નેતા રાહુલ ગાંધીના બિહાર વોટર લિસ્ટ મુદ્દે પ્રહાર
ચૂંટણી પંચ મતની ચોરી કરતાં રંગે હાથ પકડાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ બિહારમાં SIR (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન-મતદારોની યાદીનું પુનરીક્ષણ) ના ભાગરૂપે થઈ રહેલી મત ચોરીમાં ભાજપનો સાથ આપી રહ્યું હોવાનો આક્ષેપ મૂક્યો છે. તેમણે ચૂંટણી પંચ ભાજપની ઈલેક્શન ચોરી શાખા તરીકે કામ કરતું હોવાનો દાવો કર્યો છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે ,બિહારમાં SIR ના નામ પર ચૂંટણી પંચ મતની ચોરી કરતાં રંગે હાથ પકડાયું છે. નામ SIR અને કામ ચોરી. જે લોકો તેને ઉજાગર કરી રહ્યા છે, તેના પર FIR નોંધાઇ રહી છે. તેમણે આ પણ સવાલ કર્યો કે, શું ચૂંટણી પંચ હવે ચૂંટણી પંચ જ રહ્યું છે કે, પછી ભાજપની ઈલેક્શન ચોરી શાખા બની ગયુ છે?
૪૦૦ મુસ્લિમ મતદારોના નામ ગુમ હોવાનો દાવો
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આ પહેલી વાર નહીં, પણ અગાઉ અનેક વખત આક્ષેપો કર્યા હતાં. મહારાષ્ટ્ર ચૂંટણીમાં પણ તેમણે ચૂંટણી પંચની પારદર્શકતા પર સવાલો ઉઠાવ્યા હતાં. ચૂંટણી પંચે અગાઉ જ સ્પષ્ટતા આપી દીધી હતી કે, બિહારમાં ૨૨ વર્ષ બાદ આ સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન થઈ રહ્યું છે. જેનો ઉદ્દેશ મતદાર યાદીમાંથી નકલી નામ, મૃતકો અને સ્થળાંતરિત મતદારોનું ડુપ્લિકેશન દૂર કરવાનો છે. સાથે નવા યોગ્ય મતદારોને યાદીમાં સામેલ કરવામાં આવી રહ્યા છે. ચૂંટણી પંચે આ સંપૂર્ણ પ્રક્રિયા નિષ્પક્ષ અને કાયદા હેઠળ થઈ રહી હોવાનો દાવો કર્યો.
બિહારમાં ચાલી રહેલી SIR પ્રક્રિયામાં અનેક મતદારોના નામ ન હોવાનો આક્ષેપ સ્થાનિકો તેમજ વિપક્ષો કરી રહ્યા છે. મીડિયા ગ્રાઉન્ડ રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે, ખાસ કરીને મુસ્લિમ, બંગાળી મૂળ અને શેરશહાબાદી સમુદાયના લોકોના નામ આ યાદીમાંથી ગુમ છે.
પૂર્ણિયામાં ૪૦૦ મુસ્લિમ મતદારોના નામ ગુમ હોવાનો દાવો થઈ રહ્યો છે. આ તમામ લોકોએ ૨૦૨૪માં લોકસભા ચૂંટણીમાં મત આપ્યો હતો. ઉલ્લેખનીય છે, રાજ્યમાં નાગરિકતાના પુરાવાના અભાવે ઘણા મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે. આ મામલે સુપ્રીમ કોર્ટ સમક્ષ અનેક અરજી કરવામાં આવી છે. જેના પર સુનાવણી ચાલુ છે.