Last Updated on by Sampurna Samachar
રોડ જામ કરી ઉત્પાત મચાવનાર બિઝનેસમેનની ધરપકડ
સામાન્ય નાગરિકો પર તો લાંબી કાર્યવાહી થાય છે : જનતા
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતના ડુમસ વિસ્તારમાં એક બિઝનેસમેન દ્વારા કાયદા અને જાહેર વ્યવસ્થાને ખુલ્લેઆમ અવગણતી ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ, બિઝનેસમેન દીપક ઈજારદાર દ્વારા તેમના પુત્રના જન્મદિવસની ઉજવણી જાહેર રસ્તા પર કરવામાં આવી હતી. આ ઉજવણી દરમિયાન કોઈપણ પરવાનગી વિના જાહેરમાં મોટા પાયે ફટાકડા ફોડવામાં આવ્યા હતા, જેના કારણે આખો રસ્તો બંધ થઈ ગયો હતો.

પરિણામે ત્યાંથી પસાર થતા વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી અને ટ્રાફિક પણ લાંબા સમય સુધી અટકી ગયો હતો.આ દરમિયાન જ્યારે એક વાહનચાલકે રસ્તો બંધ રાખવા અંગે વાંધો ઉઠાવીને રજૂઆત કરી હતી, ત્યારે તેને ધમકી આપવામાં આવી હોવાની પણ ફરિયાદ સામે આવી છે. જાહેર રસ્તા પર આવી રીતે ઉત્સવ મનાવવાથી ન માત્ર ટ્રાફિક વ્યવસ્થામાં ખલેલ પડી, પરંતુ લોકોની સુરક્ષાને પણ જોખમમાં મૂકવામાં આવી હતી.
તાત્કાલિક જામીન આપવાથી નાગરિકો અસંતુષ્ટ
આ સમગ્ર મામલે પોલીસ દ્વારા બિઝનેસમેન દીપક ઈજારદાર સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવ્યો હતો. શરૂઆતમાં પોલીસે માત્ર જાહેરનામા ભંગની કલમ હેઠળ કાર્યવાહી કરી દીપક ઈજારદારને કાયદાનું ભાન કરાવ્યું હતું. ત્યારબાદ પોલીસ દ્વારા દીપક ઈજારદારની ધરપકડ કરવામાં આવી હતી. જોકે, ધરપકડ થયાની ગણતરીની મિનિટોમાં જ તેને જામીન મળી ગયા હતા, જે બાબત ચર્ચાનો વિષય બની છે.
આ ઘટનાને લઈ સામાન્ય નાગરિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે, કારણ કે સામાન્ય લોકોને આવા કેસોમાં લાંબી કાયદાકીય પ્રક્રિયા અને કડક પગલાંનો સામનો કરવો પડતો હોય છે. જ્યારે આ બિઝનેસમેનને તરત જ જામીન મળી જતા પોલીસની કાર્યવાહી પર સવાલો ઊભા થયા છે.
હવે પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે જાહેર રસ્તા પર કાયદા ભંગ કરીને ઉજવણી કરનાર સામે કડક કાર્યવાહી થશે કે નહીં? તેમજ કાયદો સૌ માટે સમાન છે કે નહીં, તે મુદ્દે પણ લોકો ચર્ચા કરી રહ્યા છે.