Last Updated on by Sampurna Samachar
ઘર સંભાળનાર પુત્રવધુઓનું પ્રજાપતિ સમાજે કર્યુ સન્માન
સમાજ દ્વારા ૫૧ પુત્રવધુઓને સન્માનિત કરી ખાસ સંદેશ અપાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતમાં વાટલિયા પ્રજાપતિ સમાજે અનોખી ઉજવણી કરી. પુત્રવધુ રત્ન એવોર્ડથી અનેક પુત્રવધુઓને સન્માનિત કરી હતી. ૧૦ વર્ષથી સંયુક્ત પરિવારમાં રહેતી પુત્રવધુઓને સન્માનિત કરાઈ. એટલુ જ નહિ, એક જ રસોડામાં જમતાં પરિવારોનું પણ સન્માન કરાયું. સમાજ દ્વારા ૫૧ પુત્રવધુઓને સન્માનિત કરી સંયુક્ત પરિવારનો ખાસ સંદેશ આપ્યો. કુટુંબ ભાવના વિકસે તેવા ઉદ્દેશથી આ કાર્યક્રમ યોજ્યો હતો.
વરાછાના પુણાગામ ખાતે ધનતેરસના દિવસે એક અનોખો અને પ્રેરણાદાયક સન્માન સમારોહ “પુત્રવધૂ રત્ન એવોર્ડ”નું આયોજન થયું હતું. સમસ્ત વાટલીયા પ્રજાપતિ સમાજ વાસાવડ ગોળ સુરત સંચાલિત પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ સુરત દ્વારા સુરત શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત યોજાયેલા આ અનોખા અને પ્રેરણાદાયક સન્માન સમારોહમાં છેલ્લા ૧૦-વર્ષ કે તેથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં રહેતા તથા એક જ રસોડે જમતા પરિવારની ૫૧-પુત્રવધુને “પુત્રવધુ રત્ન એવોર્ડ” આપીને સન્માનિત કરવામાં આવી હતી.
પહેલીવાર પૂત્રવધૂનુ સન્માન પ્રેરણાદાયક
લક્ષ્મી પૂજનનાં શુભદિને ગૃહલક્ષ્મીનું સન્માન કરી સર્વ સમાજ માટે “શ્રી પ્રજાપતિ યુવા વિકાસ ટ્રસ્ટ, સુરત” દ્વારા ખૂબ જ પ્રેરણાદાયક અને પ્રશંશનીય પહેલ કરવામાં આવી હતી. આ આયોજનનાં મુખ્ય પ્રેરક તથા સંસ્થાના મંત્રી એવા સામાજિક કાર્યકર્તા નિલેશ ધીરુભાઈ જીકાદરા દ્વારા આયોજનનાં પ્રેરણાસ્ત્રોત વિશે એવું જણાવ્યું હતું કે, આજ દિન સુધી સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા થતા વિવિધ આયોજનોમાં સામાજિક અગ્રણીઓ તથા દાતાઓનું સન્માન થતું જોયું છે, યુવાઓને પ્રોત્સાહન અપાય છે, માતૃ-પિતૃ વંદના થાય છે, દીકરીઓનું પૂજન થાય છે.
તેમજ વિવિધ ક્ષેત્રમાં સફળ થયેલી સ્ત્રીઓને સન્માનિત કરવા માટે પણ ઘણા બધા આયોજનો થાય છે. જે ખૂબ જ આવકારદાયક છે. પરંતુ સમાજ, પરિવાર કે કુટુંબની રચનામાં પાયાનો પથ્થર કહી શકાય તેવા “પુત્રવધુ” રૂપે સ્ત્રીનાં યોગદાન, ત્યાગ અને સમર્પણને તેમના પરિવારજનો તેમજ સામાજિક તથા સેવાકીય સંસ્થાઓ દ્વારા હરહંમેશ અવગણવામાં આવી છે. ત્યારે એક સામાજિક કાર્યકર્તા તરીકે મારી એક નૈતિક જવાબદારી સમજીને “પુત્રથી પણ વધુ” એવી પુત્રવધુને “પુત્રવધુ રત્ન એવોર્ડ” અર્પણ કરીને સામાજિક માનસિકતામાં એક સકારાત્મક પરિવર્તન લાવવાનો વિનમ્ર પ્રયાસ કર્યો છે.