Last Updated on by Sampurna Samachar
રશિયા-યુક્રેન યુદ્ધ પર પુતિનનુ એક મોટું નિવેદન
રશિયાના ભોગે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચીનમાં લશ્કરી પરેડ અને શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન સમિટમાં હાજરી આપ્યા બાદ તેમના સંબોધનમાં રશિયા-યુક્રેન યુદ્ધ પર એક મોટું નિવેદન આપ્યું છે. પુતિને કહ્યું કે, તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીને મળવાનો ક્યારેય ઇનકાર કર્યો નથી.
તેમણે કહ્યું કે, જો તેઓ મને મળવા માંગતા હોય, તો તેમણે મોસ્કો આવવું જોઈએ. જોકે, પુતિને જાહેરાત કરી કે, જો શાંતિ કરાર નહીં થાય અને રશિયન દળો યુક્રેનમાં આગળ વધી રહ્યા હોય તો રશિયા લડાઈ ચાલુ રાખશે. તેમણે એ પણ ભાર મૂક્યો કે, રશિયાના ભોગે યુક્રેનની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાતી નથી.
રશિયા લોકો માટે લડી રહ્યું છે, જમીન માટે નહીં
પુતિને યુદ્ધને યોગ્ય ઠેરવતા વધુમાં કહ્યું કે, રશિયા લોકો માટે લડી રહ્યું છે, જમીન માટે નહીં. જોકે, રશિયાના રાષ્ટ્રપતિએ ઉમ્મીદ સાથે એમ પણ કહ્યું કે, જો સમજદારીથી કામ કરવામાં આવે તો આ યુદ્ધ એક કરાર સાથે ખતમ થઈ શકે છે. પરંતુ તેમણે ચેતવણી આપી કે, જો આવું નહીં થાય, તો તેનો ઉકેલ લશ્કરી રીતે લાવવો પડશે.
માત્ર એટલું જ નહીં, રશિયાના રાષ્ટ્રપતિએ આ સમય દરમિયાન લોકમતનો મુદ્દો ઉઠાવ્યો અને કહ્યું કે, રશિયામાં જોડાવા માંગતા લોકોના નિષ્પક્ષ અને લોકશાહી અધિકારને ઝેલેન્સ્કીએ છીનવી લેવો જોઈએ નહીં.
તેમણે એવો પણ દાવો કર્યો કે, ઝેલેન્સ્કી હવે રાષ્ટ્રપતિ નથી, અને એમ પણ કહ્યું કે, માર્શલ લો હેઠળ ચૂંટણીઓ યોજાશે નહીં. પરંતુ આનો અર્થ એ નથી કે રાષ્ટ્રપતિનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો છે. પુતિનનો આ સંકેત યુક્રેનમાં માર્શલ લોના વિસ્તરણ તરફ હતો, જેને હાલમાં જ જુલાઈ ૨૦૨૫માં ૧૬મી વખત નવેમ્બર ૨૦૨૫ સુધી લંબાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ઝેલેન્સકી પર તે ચૂંટણીઓમાં વિંલંબ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે, જેના માટે અમેરિકા અને રશિયા દબાણ કરી રહ્યા હતા અને માર્શલ લો દરમિયાન તેમની સ્થિતિ મજબૂત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. પુતિન ૨૦૨૪માં તેમનો કાર્યકાળ પૂરો થયા પછી વારંવાર ઝેલેન્સકીની કાયદેસરતા પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે.