આ દરમિયાન ૨૦૫૫ મેટ્રીક ટન માલ પકડવામાં આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતમાં પુષ્પા ફિલ્મને લોકોએ પસંદ કર્યું છે ત્યારે અમુક તત્વોએ પુષ્પા ફિલ્મમાં ચોરી પસંદ કરી તેને અનુસરી ચોરી કરતા નજરે પડે છે. ત્યારે પુષ્પા સ્ટાઇલમાં લાકડા ચોરી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. લાકડાની આંતરરાષ્ટ્રીય હેરાફેરી બહાર આવી છે. આંતરરાષ્ટ્રીય ખેર લાકડા હેરાફેરી અંગે વન મંત્રી મુકેશ પટેલ માહિતી આપી હતી.
આ કરતૂત તારીખ ૧૪ જુન, ૨૦૨૪ ના રોજ માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ખેરના લાકડાની તસ્કરી કરતો ટ્રક પકડી પાડવામાં આવી હતી. જેના આધારે વ્યારા અને સુરત વનવિભાગ દ્વારા ૧૭ જૂન ૨૦૨૪ ના રોજ મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતે આવેલ શાલીમાર એન્ટપ્રાઈઝ ડેપોમાં રેડ કરવામાં આવી હતી. આ દરોડા દરમ્યાન ૨૦૫૫ મેટ્રીક ટન માલ પકડવામાં આવ્યો હતો.
સુરત તથા વ્યારા વન વિભાગની સંયુક્ત ટીમ દ્વારા મહારાષ્ટ્રના અકકલકુવા ખાતે રેડ કરવામાં આવી હતી. અકકલકુવા ડેપોમાંથી માતબર પ્રમાણમાં ખે૨ના લાકડાનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં અલીરાજપુર અને અકકલકુવા વચ્ચે થયેલ નાણાંકીય વ્યવહા૨ના ૪ કરોડથી વધુના ટર્નઓવરનું લિસ્ટ મળી આવ્યું હતું. આ ગુનામાં એક આરોપીના મોબાઈલમાંથી રૂા. ૨૦ ની નોટના ટુકડાનો ફોટો મળી આવ્યો હતો. જેમાં હવાલા કૌભાંડ થયાનું બહાર આવતા ઈ.ડી. માં ફરીયાદ કરવામાં આવી હતી.
ED દ્વારા ગુજરાત રાજ્ય સહિત મહારાષ્ટ્ર, પંજાબ, હરિયાણા, દિલ્હીમાં અલગ અલગ જગ્યા રેડ કરાઈ હતી. મહારાષ્ટ્રના અકકલકુવા તથા મધ્યપ્રદેશના અલીરાજપુર ખાતેના શાલીમાર એન્ટપ્રાઈઝ નામનો ડેપાનું નામ સામે આવ્યું હતું. આ ગુનાનો મુખ્ય આરોપી મુસ્તાક આદમ તાસીયાની મધ્યપ્રદેશની ધરપકડ કરવામાં આવી હતી. આ દરમ્યાન મહારાષ્ટ્ર ચિતલિકામાં ગેર કાયદેસર ચાલતી સચિન કથા ફેક્ટરી અને વિક્રાંત કથા ફેકટરી લાયસન્સ વગરની ચાલતી ગેરકાયદેસર ફેકટરી મળી આવી હતી. રિમાન્ડ દરમ્યાન હરીયાણાની કરનાલ ખાતેની શુભ કથા ફેકટરી અને સોનીપત ખાતેની એસ.કે. એન્ટરપ્રાઈઝ કથા ફેકટરીમાંથી ખેર લાકડા લેતીદેતીના તથા ફેકટરી ગેરકાયદેસર રીતે ચાલતી હોવાનું સામે આવ્યું છે. કથા ફેક્ટરીમાંથી કથા બિસ્કીટો બનાવી વિદેશની માર્કેટમાં સપ્લાય થતું હતું. જેથી માલિકોને નોટિસ અપાઈ છે.