Last Updated on by Sampurna Samachar
સુપરસ્ટાર અલ્લુ અર્જુનની બોક્સ ઓફીસ પર ધૂમ તો બીજી તરફ ચાહકોના મોતનો મામલો
(સંપૂર્ણ સમાચાર સેવા)
સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ૨ એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી દીધી છે. બીજી તરફ ચાહકના મોતનો મામલો હજુ સુધી શાંત થયો નહોતો કે હવે બીજા ચાહકના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. ૪ ડિસેમ્બરે એક મહિલાના મોતના લગભગ એક અઠવાડિયા બાદ પુષ્પા ૨ ની સ્ક્રીનિંગમાં બીજા ચાહકનું મોત નીપજ્યું. મેટિની શો દરમિયાન આંધ્ર પ્રદેશમાં ૩૫ વર્ષની વ્યક્તિ મૃત અવસ્થામાં મળી હતી . જેને લઈને પોલીસે તપાસ શરૂ કરી દીધી છે.
કલ્યાણદુર્ગમના DSP એ જણાવ્યા અનુસાર ૩૫ વર્ષીય હરિજન મધાનપ્પાને સાંજે લગભગ ૬ વાગે થિયેટરના સફાઈ કર્મચારીઓએ મૃત અવસ્થામાં જોયો હતો. તે બપોરે લગભગ ૨.૩૦ વાગે રાયદુર્ગમમાં નશાની હાલતમાં ફિલ્મનો મેટિની શો જોવા ગયો હતો. પોલીસ હજુ પણ તેના મોતના કારણની તપાસ કરી રહી છે.પોલીસે ચાહકના મોત પર નિવેદન જારી કરતાં જણાવ્યું કે હજુ સુધી કંઈ પણ સ્પષ્ટ નથી કે મૃતકનું મૃત્યું ક્યારે થયું અને કેવી રીતે થયું. મૃતક ચાર બાળકોનો પિતા છે. તેને દારૂની લત હતી. તે નશાની હાલતમાં જ થિયેટર આવ્યો હતો. એટલું જ નહીં. થિયેટરની અંદર પણ દારૂ પીધો હતો. પોલીસે કેસ દાખલ કર્યો છે. અલ્લુ અર્જુન અને પુષ્પા ૨ ના ડાયરેક્ટર સુકુમારે માફી સાથે જ સમગ્ર ઘટના વિશે જણાવ્યું. આ સિવાય અલ્લુ અર્જુને ૨૫ લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી હતી.