Last Updated on by Sampurna Samachar
રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કર્યું
ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિધાનસભા સત્ર દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા ર્નિણય અંગે રાજ્ય સરકાર કૃષિ અને પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, આગામી ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૬થી રાજ્યભરમાં તુવેરની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે.

કૃષિ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે ખેડૂતોના આર્થિક રક્ષણ માટે તેમની ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરીને ઉત્પાદનોની ખરીદી કરવામાં આવે છે. વાવેતર શરૂ થયા પહેલા જ ભારત સરકારે વર્ષ ૨૦૨૫-૨૬ માટે તુવેરનો ટેકાનો ભાવ રૂપિયા ૮૦૦૦ પ્રતિ ક્વિન્ટલ (રૂ. ૧૬૦૦ પ્રતિ મણ) જાહેર કરતા રાજ્યના ખેડૂતો દ્વારા તુવેરનું પુષ્કળ વાવેતર કરવામાં આવ્યું છે. તુવેરના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્યના કુલ ૧.૩૩ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે તુવેરના વેચાણ માટે નોંધણી કરાવી છે.
રાજ્ય સરકારે તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું
કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં તુવેર પાકના વાવેતર વિસ્તાર અને ઉત્પાદનને ધ્યાને રાખીને આશરે ૧૩૦ ખરીદ કેન્દ્રો સૂચિત કરવામાં આવ્યા છે. આ ખરીદ કેન્દ્રો ખાતેથી આગામી ૨૩ ફેબ્રુઆરીના રોજથી તુવેરની ટેકાના ભાવે ખરીદી કરવાનો કેબિનેટ બેઠકમાં ર્નિણય કરવામાં આવ્યો છે. તુવેર પાકની ટેકાના ભાવે ખરીદી માટે નોંધણી કરાવેલા ખેડૂતોને MSP થી ખરીદી માટેની અગાઉથી જાણ કરવામાં આવશે અને MSP મળ્યેથી ફાળવેલ ખરીદ કેન્દ્ર ખાતે ખેડૂતોએ જથ્થા સાથે ઉપસ્થિત રહી આ યોજનાનો લાભ મેળવવા કૃષિ મંત્રીએ અનુરોધ કર્યો છે.
કૃષિ મંત્રીએ ખાતરી આપી છે કે રાજ્ય સરકાર દ્વારા તુવેર પાકની નોંધણી કરાવેલા તમામ ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકારે તમામ આગોતરૂ આયોજન હાથ ધર્યું છે.