Last Updated on by Sampurna Samachar
રજિસ્ટર્ડ ખેડૂતોને SMS દ્વારા જાણ કરાઇ
૨૨ જિલ્લાના ૩૦૦ થી વધુ ખરીદ કેન્દ્ર પર ટેકાના ભાવે ખરીદી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ગુજરાતના ૨૨ જિલ્લાના ૩૦૦ થી વધુ ખરીદ કેન્દ્ર પર મગફળી, મગ, અડદ, સોયાબીન સહિતના પાકોની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે, ત્યારે સમગ્ર પ્રક્રિયા પર CCTV દ્વારા નજર રખાશે. આશરે ૧૫૦૦૦ કરોડથી વધુ મુલ્યની ખેત પેદાશોની ટેકાના ભાવે ખરીદી કરવાનો સરકારનો લક્ષ્યાંક છે. તેવામાં ખરીદી પ્રક્રિયા અંતર્ગત મગફળી માટે પ્રતિ ક્વિન્ટલ રૂ. ૭,૨૬૩, અડદ પ્રતિ ક્વિન્ટલે રૂ.૭,૮૦૦ અને સોયાબીન પ્રતિ ક્વિન્ટલ રૂ. ૫,૩૨૮ના ભાવ નિર્ધારિત કરાયા છે.

ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટર્ડ ખેડૂતોને SMS દ્વારા જાણ કરીને બોલાવામાં આવ્યા છે. ગુજરાતમાં માવઠાના કારણે સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં વધુ અસર પહોંચી છે. જેમાં અમરેલી જિલ્લા સહિતના વિસ્તારોમાં અતિભારે કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો મોટાભાગના પાકને ભારે નાકસાની થઈ હતી.
દરરોજ ૪૦૦ જેટલાં ખેડૂતો પાસેથી ટેકાના બાવે મગફળી ખરીદાશે
અમરેલીના રાજુલા, સાવરકુંડલા, બગસરા, બાબરા, સહિત માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરાઈ છે. જેમાં બગસરા તાલુકામાં ૫૪૦૭ થી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ટેકાના ભાવે મગફળી ૧૪૫૨ રૂપિયાથી ખરીદી કરવાની શરૂ થઈ છે. બનાસકાંઠાના ધાનેરા ખરીદ વેચાણ સંઘે ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરી છે. જે આગામી ૭૦ દિવસ સુધી ચાલશે. જેમાં રોજના ૪૦૦ જેટલાં ખેડૂતો પાસેથી ટેકાના બાવે મગફળી ખરીદાશે.
તમને જણાવી દઈએ કે, ધાનેરામાં ૨૦,૭૧૪ ખેડૂતોએ નોંધણી કરાવી છે. ૨૫૦૦ કિલો હેકટર દીઠ રૂપિયા ૧૪૫૨ના ટેકાના ભાવથી મગફળી ખરીદાશે. આ સાથે વાવ અને થરાદ માર્કેટ યાર્ડમાં પણ મગફળીની ખરીદી શરૂ થઈ છે. સૌરાષ્ટ્ સહિત રાજ્યના મોટાભાગના જિલ્લામાં ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ થયો છે. જૂનાગઢ જિલ્લાના કુલ ૪૨ કેન્દ્રો પૈકી ૧૭ કેન્દ્રો પર મગફળી અને સોયાબીનની ખરીદી શરૂ થઈ છે.
જિલ્લામાં ૧.૧૫ લાખથી વધુ ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં કેશોદના ૨૦,૦૩૪ ખેડૂતોનો સમાવેશ થાય છે. જ્યારે રાજકોટમાં ૯.૩૦ લાખથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં જિલ્લાના ૧૧ કેન્દ્રો પર ટેકાના ભાવે ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.