Last Updated on by Sampurna Samachar
પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર ગુસ્સામાં જોવા મળ્યો
શશાંક સિંહ અંત સુધી રમ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબ કિંગ્સનું IPL ટાઇટલ જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું છે. IPL ૨૦૨૫ની ફાઇનલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે પંજાબને ૬ વિકેટે હરાવ્યું છે. બીજી તરફ શશાંક સિંહ અંત સુધી ઉભો રહ્યો અને છેલ્લી ક્ષણ સુધી જીતની આશા જીવંત રાખી, પરંતુ અન્ય કોઈ બેટ્સમેન અંતમાં તેમનો સાથ આપી શક્યા નહીં.
શશાંકે ૩૦ બોલમાં ૬ છગ્ગા અને ૩ ચોગ્ગાની મદદથી અણનમ ૬૧ રન બનાવ્યા, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહીં. જો શશાંક સિંહને જો બે બોલ વધુ રમવા મળ્યા હોત તો મેચનું પરિણામ જ કંઈ અલગ જોવા મળ્યુ હોત. ફાઈનલ મેચના એક દિવસ અગાઉ જ IPL ૨૦૨૫ની ફાઇનલમાં પહોંચ્યા બાદ શશાંક સિંહને કેપ્ટન શ્રેયસ ઐયરના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. તેમનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો હતો.
ઐયરે શશાંકને અપશબ્દો કહ્યાનો દાવો
નોંધનીય છે કે, IPL ૨૦૨૫ ની ક્વોલિફાયર ૨માં પંજાબ (PUNJAB) કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને ૫ વિકેટથી હરાવ્યું અને ૧૧ વર્ષ પછી ફાઇનલમાં પ્રવેશ કર્યો. પંજાબ કિંગ્સની આ જીત છતાં એક વિવાદ સામે આવ્યો હતો. મેચ પછીનો એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન શ્રેયસ ઐયર પોતાના જ સાથી પર ગુસ્સે થતો જોવા મળી રહ્યો હતો.
મેચ પછી જ્યારે બન્ને ટીમોના ખેલાડીઓ હાથ મિલાવી રહ્યા હતા, ત્યારે શશાંક સિંહ ઐયરની સામે આવ્યો. ઐયરે ખૂબ ગુસ્સાથી કંઈક કહ્યું. તેણે શશાંક સાથે હાથ પણ મિલાવ્યો નહીં અને આગળ વધ્યો. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે ઐયરે શશાંકને અપશબ્દો પણ કહ્યા હતા.