Last Updated on by Sampurna Samachar
જેલમાં બંધ સાત આરોપીઓ સામે લેવાયો નિર્ણય
અમૃતપાલ સિંઘના સાત સાથીઓ દિબ્રુગઢની જેલમાં બંધ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના દિબ્રુગઢની જેલમાં બંધ પંજાબમાં ખાલિસ્તાનવાદી નેતા અને સાંસદ અમૃતપાલ સિંહના સાત સાથીઓ અંગે પંજાબ સરકારે મોટો ર્નિણય લીધો છે. સરકારે NSA હેઠળ અમૃતપાલ (AMRUTPAL) ના ૭ સાથીઓ સામે NSA ની અવધિ ન વધારવાનો અને તેમની સામે કેસ ચલાવાનો ર્નિણય લીધો છે. આ તમામ આરોપીઓ અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાના આરોપી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ, અમૃતપાલ સિંઘના સાત સાથીઓ રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) હેઠળ દિબ્રુગઢની જેલમાં બંધ છે, જેમની સામે પંજાબ સરકારે NSA ન વધારવાનો ર્નિણય લીધો છે. સરકાર આ સાતેય આરોપીઓ સામે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલાનો કેસ ચલાવવા ઈચ્છે છે. સરકારે એવું પણ કહ્યું છે કે, આ સાતેય આરોપીનો પંજાબ લવાશે, પછી તેમની સામે કેસ શરૂ કરવામાં આવશે. જોકે સરકારે અમૃતપાલ અને તેના બે સાથીઓ અંગે હજુ કોઈપણ ર્નિણય લીધો નથી.
જેલમાં બંધ સાંસદને ૫૪ દિવસની રજા અપાઈ
આ પહેલા કેન્દ્ર સરકારે પંજાબની ખડૂર સાહિબ બેઠક પરના સાંસદ અમૃતપાલ સિંહ અંગે હરિયાણા કોર્ટને માહિતી આપી હતી કે, જેલમાં બંધ સાંસદને ૫૪ દિવસની રજા અપાઈ છે. આ માહિતી એડિશનલ સોલિસિટર જનરલ સતપાલ જૈને ચીફ જસ્ટિસ શીલ નાગુ અને જસ્ટિસ સુમિત ગોયલની ડિવિઝન બેંચ સમક્ષ લોકસભા સચિવાલય દ્વારા ૧૧ માર્ચે જારી કરાયેલા પત્રને રજૂ કરતી વખતે આપી હતી.
પત્ર દ્વારા જણાવાયું હતું કે, અમૃતપાલ સિંહને ૨૪ જૂન-૨૦૨૪ થી બે જુલાઈ-૨૦૨૪ સુધી, ૨૨ જુલાઈ-૨૦૨૪થી ૯ ઓગસ્ટ-૨૦૨૪ સુધી અને ૨૫ નવેમ્બર-૨૦૨૪થી ૨૦ ડિસેમ્બર ૨૦૨૪ સુધી રજા અપાઈ હતી. આ મુદ્દે ખંડપીઠે કહ્યું કે, ‘અરજદાર (અમૃતપાલ)ને સંસદમાંથી હાંકી કાઢવાનો ડર હતો, જોકે આ પત્રથી તેમી ચિંતા દૂર થઈ ગઈ છે.
અમૃતપાલે અરજીમાં માંગ કરી હતી કે, સાંસદ ફંડ સંબંધિત સ્થાનિક વિકાસ કાર્યો માટે અધિકારીઓ અને મંત્રીઓને મળવાની પરવાનગી આપવામાં આવે, જે પર કોર્ટે કહ્યું હતું કે, સંસદની કાર્યવાહી કેટલાક નિયમોને આધીન ચાલે છે, તેથી અરજદારે આ મુદ્દે લોકસભા અધ્યક્ષને અરજી કરે.