ડ્રાઈવરે બસ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના ભટિંડામાં ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં એક ખાનગી કંપનીની બસ નહેરમાં ખાબકી હતી અને તેમાં આઠ લોકોના મોત થયા હોવાના જ્યારે અનેક લોકોને ઈજા થઈ હોવાના અહેવાલ સામે આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ઈજાગ્રસ્તોને તુરંત હોસ્પિટલમાં ખસેડ્યા છે. પોલીસે કહ્યું કે, મૃતદેહો બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
મળતા અહેવાલો મુજબ ખાનગી કંપનીની બસ ભટિંડાના કોટશમીર રોડ પરથી પસાર થઈ રહી હતી, ત્યારે ડ્રાઈવરે અચાનક બસ પરનો કાબુ ગુમાવતા બસ નહેરમાં ખાબકી હતી, જેમાં આઠ લોકોના દર્દનાક મોત અને અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક વહિવટી તંત્રની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યારે NDRF ની ટીમ પુરજોશમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. પોલીસે દુર્ઘટના સર્જાવાના કારણોની તપાસ કરી રહી છે.