Last Updated on by Sampurna Samachar
ગણતંત્ર દિવસે ઘટના બનતા આકરી કાર્યવાહી કરવા માંગ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પંજાબના અમૃતસરમાં ભીમરાવ આંબેડકરની મૂર્તિ પર ચડીને હથોડા મારવાની ઘટના સામે આવી છે. ત્યારે આ ઘટનાથી રાજકારણમાં ભારે હોબાળો થઇ ગયો છે. અમૃતસર સ્થિત સુવર્ણ મંદિર તરફ જતી હેરિટેજ સ્ટ્રીટ પર ટાઉન હોલમાં બીઆર આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટનામાં આરોપીની પોલીસે ધરપકડ કરી લીધી છે.
પોલીસે જણાવ્યું કે આ ઘટનાને લઈને ફરિયાદ નોંધાયા બાદ આરોપીની ધરપકડ કરી લીધી છે. આગળની કાર્યવાહી થઈ રહી છે. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેમાં વ્યક્તિ લાંબી સ્ટીલની સીડીનો ઉપયોગ કરી હથોડો લઈને પ્રતિમા પર ચડતો દેખાય છે.
પંજાબના પૂર્વ મંત્રી રાજ કુમારે પોલીસને આરોપીઓ વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવાનો આગ્રહ કર્યો છે. તેમણે કહ્યું કે, આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ થવી જોઈએ. ખાસ કરીને એટલા માટે કેમ કે આ ઘટના ગણતંત્ર દિવસ પર બની છે.
ત્યારે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાના પ્રયાસની આકરી ટીકા કરી હતી. તેમણે કહ્યું કે, આ મામલામાં કડક કાર્યવાહી કરવામાં આવશે. CM માને સોશિયલ મીડિયા મંચ X પર એક પોસ્ટ કરીને કહ્યું કે, ઘટના ખૂબ જ નિંદનિય છે અને કોઈને પણ માફ કરવામાં આવશે નહીં. માને કહ્યું કે, આ ઘટના માટે જે પણ જવાબદાર હશે, તેમને આકરી સજા આપવામાં આવશે. કોઈને પણ પંજાબનો ભાઈચારો અને એકતા બાધિત કરવાની પરવાનગી આપવામાં આવતી નથી. મુખ્યમંત્રીએ કહ્યું કે, પ્રશાસન આ ઘટનાની તપાસ કરી રહ્યું છે અને દોષિતો પર કડક કાર્યવાહી કરવાના નિર્દેશ આપી દીધા છે.