Last Updated on by Sampurna Samachar
મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો
મોહમ્મદ સિરાજે આક્રમક રીતે સેલિબ્રેશન કર્યું હતુ
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોર્ડ્સ ટેસ્ટ મેચના ચોથા દિવસે ઇંગ્લિશ બેટ્સમેન બેન ડકેટની વિકેટ લીધા પછી ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે આક્રમક રીતે સેલિબ્રેશન કર્યું હતુ. હવે ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ મોહમ્મદ સિરાજ સામે કાર્યવાહી કરી છે. સિરાજને ICC ની આચારસંહિતાના કલમ ૨.૫ ના ઉલ્લંઘન બદલ દોષી ઠેરવવામાં આવ્યો છે.
જે કારણથી મોહમ્મદ સિરાજ પર મેચ ફીના ૧૫ ટકા દંડ ફટકારવામાં આવ્યો છે. આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન જ્યારે બેટ્સમેન આઉટ થાય છે ત્યારે અપશબ્દો અથવા એક્સપ્રેશનનો ઉપયોગ કરીને બેટ્સમેનને ઉશ્કેરવો આ કલમ હેઠળ આવે છે. ૨૪ કલાકની અંદર સિરાજ સામે કાર્યવાહી કરવામાં આવી છે.
સિરાજનું વર્તન રમતની ભાવના વિરુદ્ધ
દંડ ઉપરાંત સિરાજને ડિમેરિટ પોઇન્ટ પણ મળ્યો છે. ૨૪ મહિનાના સમયગાળામાં આ સિરાજનો બીજો ગુનો હતો, જેનાથી તેના ડિમેરિટ પોઇન્ટ બે થયા. ઇંગ્લેન્ડની બીજી ઇનિંગમાં બેન ડકેટની વિકેટ લીધા પછી મોહમ્મદ સિરાજ બેટ્સમેનની ખૂબ નજીક આવ્યો. તેણે બેટ્સમેન તરફ જોયું. સિરાજ ઇંગ્લિશ ઓપનર બેન ડકેટની એટલી નજીક આવી ગયો હતો કે તેના ખભા અથડાઈ ગયા હતા. સિરાજનું વર્તન રમતની ભાવના વિરુદ્ધ હતું.
હવે મોહમ્મદ સિરાજે મેદાન પર આક્રમક સેલિબ્રેશનથી દૂર રહેવું પડશે. તમને જણાવી દઈએ કે જ્યારે કોઈ ખેલાડી ૨૪ મહિનાના સમયગાળામાં ચાર કે તેથી વધુ ડિમેરિટ પોઈન્ટ મેળવે છે, ત્યારે આ પોઈન્ટ સસ્પેન્શન પોઈન્ટમાં રૂપાંતરિત થાય છે અને ખેલાડી પર પ્રતિબંધ મૂકવામાં આવે છે.