૨ કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો વિવાદ પણ સામે આવ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હીમાં બિઝનેસમેન પુનીત ખુરાનાના આપઘાત કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. ૩૧મી ડિસેમ્બર ૨૦૨૪ માં પુનીતે દિલ્હીના કલ્યાણ વિહાર વિસ્તારમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. તેમની પત્ની મણિકા પાહવા સાથે વિવાદ ચાલી રહ્યો હતો અને બંનેએ છૂટાછેડા માટે અપીલ કરી હતી. હવે પુનીતના પરિવારનો આરોપ છે કે, સાસરિયાઓના દબાણના કારણે પુનીતે આ પગલું ભર્યું હતું. આ ઉપરાંત આ સમગ્ર મામલામાં ૨ કરોડ રૂપિયાની પ્રોપર્ટીનો વિવાદ પણ સામે આવ્યો છે.
અહેવાલો અનુસાર, પોલીસને માહિતી મળી હતી કે પુનીત ખુરાના નામના વ્યક્તિએ કલ્યાણ વિહાર સ્થિત પોતાના ઘરે આત્મહત્યા કરી લીધી છે. ઘટનાસ્થળે પહોંચીને મૃતકનો ફોન અને સંબંધિત વસ્તુઓ જપ્ત કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો અને વધુ તપાસ શરૂ કરી. આપઘાતના લગભગ ૧૨ કલાક પહેલા રાત્રે ૩ વાગે પુનીતે તેની પત્ની મનિકાને ફોન કર્યો હતો, જેમાં બંને વચ્ચેના વિવાદનો ઓડિયો પણ સામે આવ્યો છે. આ ઓડિયોમાં પુનીતે તેની પત્નીને છેલ્લી વખત ફોન કરતાં બિઝનેસ વિશે વાત કરી હતી. મણિકા આમાં એમ કહેતી સંભળાય છે કે, ‘તને માર મારીને હાથ ગંદા ન કરવા જોઈએ. ભિખારી મેં તારી પાસેથી શું માંગ્યું?’ માનિકાએ પુનીત પર આ કોલ દરમિયાન અન્ય છોકરીઓને મળવાનો પણ આરોપ લગાવ્યો છે.
પુનીતના પરિવારનો એવો પણ આરોપ છે કે, ‘મનિકાના પિતા જગદીશ પાહવાએ મનિકાના નામે નોંધાયેલા ઘરના બદલામાં પુનીતને ૨ કરોડ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. પરંતુ બાદમાં તેણે આ વાત પાછી ખેંચી લીધી હતી. આના પુરાવા તરીકે, પુનીતના પરિવારે ૧૨મી ઓક્ટોબર, ૨૦૨૩ની એક વીડિયો આપ્યો હતો. જેમાં પુનીત તેના સસરા જગદીશ પાહવા સાથે વાત કરતો જોવા મળે છે. આ વીડિયો અંગે પરિવારે દાવો કર્યો હતો કે મણિકાના પરિવારના સભ્યો પુનીતને સતત ધમકાવી રહ્યા છે અને તેના પર દબાણ બનાવી રહ્યા છે. આ બધી બાબતોથી પુનીત માનસિક રીતે ખૂબ જ પરેશાન હતો, ત્યારબાદ તેણે આત્મહત્યા કરવાનો ર્નિણય લીધો.