કોર્ટે આરોપીના આગોતરા જામીન ફગાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
દિલ્હી હાઈકોર્ટે બરતરફ કરાયેલી ટ્રેઈની IAS પૂજા ખેડકરની આગોતરા જામીન ફગાવી દીધી છે. કોર્ટે કહ્યું કે, ‘પૂજા ખેડકરે માત્ર તે સંસ્થા (UPSC ) સાથે જ નહીં, આખા સમાજ સાથે છેતરપિંડી કરી છે. તેથી તેમની આગોતરા જામીન ફગાવવાનો ર્નિણય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમની વચગાળાની સુરક્ષા પર રદ કરવામાં આવી છે.’
પૂજા પર સિવિલ સર્વિસ પરીક્ષામાં છેતરપિંડી કરવાનો તેમજ ખોટા દસ્તાવેજોના આધારે OBC તેમજ વિકલાંગ ક્વોટાનો દુરુપયોગ કરવાનો આરોપ છે. આ જ કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. UPSC એ તેમની ઉમેદવારી પણ રદ કરી દીધી હતી તેમજ નોકરીમાંથી બરતરફ કરી તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. કેન્દ્ર સરકારે પૂજા ખેડકર સામે મોટી કાર્યવાહી કરી હતી. સરકારે સરકારે IAS (પ્રોબેશન) નિયમો, ૧૯૫૪ના નિયમ ૧૨ હેઠળ તાત્કાલિક અસરથી પૂજાને ભારતીય વહીવટી સેવામાંથી મુક્ત કરી દેવામાં આવી હતી. સરકારે UPSC પરીક્ષામાં OBC અને વિકલાંગતા ક્વોટાનો દુરુપયોગ કરવા બદલ પૂજા વિરુદ્ધ કાર્યવાહી કરી છે. અગાઉ, યુનિયન પબ્લિક સર્વિસ કમિશને ૩૧ જુલાઈએ પૂજાની ઉમેદવારી રદ કરી હતી. આ ઉપરાંત, પૂજાને ભવિષ્યની પરીક્ષાઓમાંથી પણ વંચિત રાખવામાં આવી હતી.
પૂજા ખેડકરે ૨૦૨૦-૨૧માં OBC ક્વોટા હેઠળની પરીક્ષામાં ‘પૂજા દિલીપરાવ ખેડકર’ નામ સાથે હાજર રહી હતી. ૨૦૨૧-૨૨માં તમામ પ્રયાસો પૂર્ણ કર્યા પછી, પૂજાએ OBC અને PWBD (પર્સન્સ વિથ ડિસેબિલિટીઝ) ક્વોટા હેઠળ પરીક્ષા આપી હતી. આ પછી તેણે ‘પૂજા મનોરમા દિલીપ ખેડકર’ નામનો ઉપયોગ કર્યો હતો. પૂજાએ ઓલ ઈન્ડિયા લેવલ પર ૮૨૧ રેન્ક મેળવ્યો હતો.
મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાની રહેવાસી પૂજા ખેડકર એક તાલીમાર્થી (ટ્રેઇની) IAS અધિકારી હતી. બત્રીસ વર્ષીય પૂજા ખેડકર ૨૦૨૩ બૅચની અધિકારી હતી અને તેણે યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) ની પરીક્ષામાં દેશભરમાં ૮૪૧ મો ક્રમાંક મેળવ્યો હતો. તે અમલદારો અને રાજકારણીઓના પરિવારમાંથી આવે છે. પૂજાના પિતા દિલીપ રાઓ ખેડકર મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિવૃત્ત અધિકારી છે. વંચિત બહુજન આખાડી (VBA) પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ ૨૦૨૪ ના લોકસભાની ચૂંટણી લડ્યા હતા. પૂજાની માતા ભલગાંવ ગામની સરપંચ છે. તેના દાદા પણ વરિષ્ઠ અમલદાર હતા.