Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટની તમિલનાડુ સરકારને ફટકાર
પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિની પ્રતિમા બનાવવાની મંજૂરી માંગી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારને ફટકાર લગાવતા સ્પષ્ટ કર્યું કે, પૂર્વ નેતાઓના મહિમામંડન માટે સરકારી નાણાંનો ઉપયોગ ન કરી શકાય. કોર્ટે તુરુનેલવેલી જિલ્લામાં પૂર્વ મુખ્યમંત્રી એમ. કરૂણાનિધિની પ્રતિમા બનાવવાની મંજૂરી માંગતી સરકારની અરજી ફગાવી દીધી હતી.

જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રાની ખંડપીઠે સુનાવણી દરમિયાન કડક વલણ અપનાવતા કહ્યું કે, તમે તમારા પૂર્વ નેતાઓના મહિમામંડન માટે જાહેર નાણાંનો ઉપયોગ કરી રહ્યા છો? તો આની મંજૂરી નહીં મળે. જનતાના પૈસાનો ઉપયોગ ફક્ત જનતાના હિત માટે થવો જોઈએ, ન કે રાજકીય વ્યક્તિત્વની પ્રશંસા માટે.
મદ્રાસ હાઇકોર્ટના ર્નિણયને માન્ય રાખ્યો
રાજ્ય સરકારે તિરૂનેલવેલી જિલ્લાના વલ્લિયૂર ડેલી વેજીટેબલ માર્કેટના સાર્વજનિક પ્રવેશ દ્વાર પાસે કરૂણાનિધિની કાંસાની પ્રતિમા અને તખતિ લગાવવાની મંજૂરી માંગી હતી. આ પહેલાં મદ્રાસ હાઇકોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે, રાજ્ય સરકાર જાહેર સ્થળોએ પ્રતિમા લગાવવાનો આદેશ જાહેર ન કરી શકે. આ આદેશને પડકારતી અરજી સુપ્રીમ કોર્ટ પહોંચી હતી.
જોકે, સુપ્રીમ કોર્ટે મદ્રાસ હાઇકોર્ટના ર્નિણયને માન્ય રાખીને તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી હતી. આ સાથે જ રાજ્ય સરકારને કહેવામાં આવ્યું હતું કે, તે પોતાની અરજી પરત લઇ લે અને જો તેમને કોઈ પ્રકારની રાહત જોઇએ છે તો તે માટે હાઇકોર્ટ જાય.
કોર્ટે પોતાના આદેશમાં એવું પણ કહ્યું કે, લોકતાંત્રિક વ્યવસ્થામાં નેતાઓનું સન્માન જનતાના દિલમાં હોવું જોઈએ, ન કે સરકારી પૈસાથી બનાવવામાં આવતી પ્રતિમા અને તખતિઓ દ્વારા. કરદાતાઓના પૈસાથી નેતાઓનું મહિમામંડન બંધારણ અને લોકતાંત્રિક સિદ્ધાંતોની ભાવનાની વિરૂદ્ધ છે.