Last Updated on by Sampurna Samachar
પોસ્ટર ૧૨ થી ૧૫ વર્ષના ૩ બાળકોએ ફાડ્યા હોવાની માહિતી
પોલીસ કરી રહી છે તપાસ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરના અમરાઈવાડી વિસ્તારમાં ડો. બાબાસાહેબ આંબેડકરના પોસ્ટર ફાડી નાખવા મામલે સ્થાનિકો ધરણાં પર ઉતર્યા હતા. જેને પગલે પોલીસે કાયદાકીય કાર્યવાહી કરતાં ૧૨ થી ૧૫ વર્ષના ૩ બાળકોએ પોસ્ટર ફાડ્યા હોવાનું સામે આવતાં આ ત્રણેય બાળકોને કાયદાના સંઘર્ષમાં લેવામાં આવ્યા છે. આ બાળકો વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ અગાઉ પોલીસ ચોપડે નોંધાયેલો છે કે નહીં તેની કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ આ બનાવને લઈને હાલ શહેરમાં ચકચાર મચી જવા પામી છે.
સુત્રોથી મળતી માહિતી અનુસાર બાબા આંબેડકરની જન્મજયંતિના ભાગરૂપે સંજય ચોક ખાતે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા. પરંતુ આ પોસ્ટર બ્લેડ મારફતે ફાડી નાખતાં સ્થાનિકોએ રસ્તો રોકો આંદોલન શરૂ કર્યું હતું. જેમાં રસ્તા પર આવતાં જતાં તમામ વાહનોને રોકીને સ્થાનિકો ધરણાં પર બેઠાં હતા. જેમાં આ મામલે ત્રણેય બાળકોનું કારસ્તાન સામે આવતાં હાલ પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં આગામી સમયમાં ત્રણેય બાળકોને જુવેનાઈલ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ધરણા પર ઉતરતાં વાહન ચાલકોને પડી હાલાકી
અમરાઈવાડી PI પી.એચ. મકવાણાના જણાવ્યા પ્રમાણે શહેરમાં બાબાસાહેબ આંબેડકર જન્મજયંતિ નિમિત્તે અનેક વિસ્તારમાં પોસ્ટર લગાવાયા છે. જેમાં સંજય ચોક ખાતે પણ પોસ્ટર લગાવેલા હતા. વહેલી સવારે પોસ્ટર ફાટેલી હાલતમાં મળતાં લોકોએ રસ્તા રોક્યા હતા. પરંતુ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં પૂછપરછ કરીને આ કૃત્ય બાળક દ્વારા કર્યું હોવાનું સામે આવતાં તે બાળકોને કાયદાના સંઘર્ષમાં લેવાયા છે. આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે. એ સિવાય જો હજુ પણ સ્થાનિકો ધરણાં પર ઉતર્યા હોય તો તેની વ્યવસ્થા ગોઠવી રહ્યા છીએ જેની વાહનચાલકોને તકલીફ ન પડે.
પોસ્ટરને માત્ર એક બાજુથી નહીં પરંતુ આખાય પોસ્ટર પર બ્લેડ વડે ચીરા કરવામાં આવ્યા છે. બ્લેડ પણ અહીં જ પડી છે. આ કૃત્ય જાણીજોઈને કરવામાં આવેલું કૃત્ય છે. વિસ્તારમાં હેરાનગતિ અને કનડગત વધારે છે. ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને નુકસાન પહોંચાડવાની ઘટના પણ વખતોવખત સામે આવી છે.
જોકે આ પ્રકારનાં કૃત્યમાં પોલીસ કાર્યવાહી કરીને જલદી આરોપીઓને પકડે તેની આશા છે. રસ્તો રોકીને આ આખાય મામલે લોકો તંત્રનું ધ્યાન ખેંચાય અને સામાન્ય નાગરિકો પરેશાન થાય તો જ તંત્ર જાગે તેમ છે આ મામલે હાલ ૩ બાળકોને કાયદાના સંઘર્ષમાં લેવામાં આવ્યા છે. ત્રણેય બાળકો રમત રમતમાં આ કૃત્ય કર્યું છે કે જાણી જોઈને તે અંગે તપાસ કરવામાં આવશે.