Last Updated on by Sampurna Samachar
NSUI અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ઓફિસમાં પહોંચ્યા
વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રારની ઓફિસ અને પરીક્ષા વિભાગને તાળા માર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં વિદ્યાર્થી સંગઠન NSUI અને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કર્મચારીઓ યોગ્ય કામ ન કરતા હોવાની વિદ્યાર્થીઓની ફરિયાદ છે. જેને લઈને આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીમાં તાળા માર્યા હતા તો બીજી તરફ પોલીસે NSUIનાં કાર્યકરોની અટકાયત કરી હતી.

અમદાવાદમાં હજુ બે દિવસ પહેલા ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાંથી દારૂની ખાલી બોટલોનો ઢગલો મળ્યાનો વિવાદ શમ્યો નથી ત્યાં નવો વિવાદ સામે આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં કર્મચારીઓ અનિયમિત હોવાનું અને વિદ્યાર્થીઓના કામ થતા નહીં હોવાની વાત સાથે વિદ્યાર્થી સંગઠન NSUIએ જબરદસ્ત વિરોધ નોંધાવ્યો. NSUI વિરોધ કરવાનું છે તેની જાણ થતાં યુનિવર્સિટીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો.
NSUIએ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કર્યો
પોલીસની આ કિલ્લાબંધીને ચકમો આપી NSUI અને વિદ્યાર્થીઓ યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ઓફિસમાં પહોંચી ગયા અને ઓફિસને તાળા મારી દીધા એટલું જ નહીં પરીક્ષા વિભાગને પણ તાળું મારી દેવાયું. બાદમાં પોલીસને જાણ થતાં ઓફિસમાં દોડી આવી અને NSUIનાં કાર્યકરોની અટકાયત કરી. જોકે કોઈને કોઈ કારણસર ગુજરાત યુનિવર્સિટીમાં વિવાદો સામે આવતા હોય છે અને વિવાદોને પગલે યુનિવર્સિટીમાં વિરોધ પ્રદર્શન પણ થતા હોય છે.
વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી સંગઠનો વિરોધ કરવાના છે તેવી જાણ થતાં પોલીસ પહોંચી જાય અને એ વિરોધ પ્રદર્શનને નિષ્ફળ બનાવી દેતી હોય છે. આ વખતે પણ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના સંગઠન NSUIએ વિદ્યાર્થીઓને સાથે રાખી વિરોધ કર્યો. સામાન્ય રીતે યુનિવર્સિટીમાં કર્મચારીઓ અને અધિકારીઓને આવવાનો સમય સવારે ૧૦:૩૦ વાગ્યાનો છે જોકે આ મામલે વિદ્યાર્થીઓનો અને NSUIનો આક્ષેપ છે કે સવારે ૧૧થી ૧૧:૩૦ વાગ્યા સુધી પણ કર્મચારીઓ આવતા નથી.
યુનિવર્સિટીમાં અલગ અલગ વિભાગોમાં આવી જ હાલત છે. જેથી વિદ્યાર્થીઓના યોગ્ય કામ થતા નથી. જેને લઈને NSUIએ દેખાવો કરવાનો એક કાર્યક્રમ રાખ્યો. જોકે NSUIનાં વિરોધની જાણ થતાં પોલીસનો મોટી સંખ્યામાં કાફલો યુનિવર્સિટી કેમ્પસમાં ગોઠવાઈ ગયો હતો. એટલું જ નહીં યુનિવર્સિટીમાં મુખ્ય દરવાજા આગળ પોલીસે ખુદ અવરજવર બંધ કરી હતી. પોલીસની આ કિલ્લાબંધી છતાં NSUIના કાર્યકરો યુનિવર્સિટીમાં રજિસ્ટ્રારની ચેમ્બર સુધી પહોંચી ગયા અને તાળા મારી તાળાબંધી કરી દીધી. તેમજ પરીક્ષા વિભાગને પણ તાળા મારી દીધા.
સમગ્ર મામલે NSUIનાં આગેવાન વિક્રમસિંહ ગોહિલે જણાવ્યું કે જો યુનિવર્સિટીમાં કર્મચારીઓ સમયસર હાજર થતા ન હોય અને વિદ્યાર્થીઓને કામ થવાની જગ્યાએ ધક્કા ખાવા પડતા હોય તો યુનિવર્સિટી ચાલુ રાખવાનો કોઈ મતલબ નથી. જેથી તેને તાળા મારી દેવાનો કાર્યક્રમ યોજ્યો હતો. જોકે વિદ્યાર્થીઓનો વિરોધ અને ફરિયાદ છતાં રજિસ્ટ્રાર તરફથી કોઈ પ્રતિક્રિયા મળી નથી. જોકે બાદમાં વિદ્યાર્થીઓની આ તાળાબંધી અટકાવવા પોલીસે NSUIનાં કાર્યકરોની અટકાયત કરી હતી.