Last Updated on by Sampurna Samachar
વેપારીઓ અને ગ્રામજનો ભૂખ હડતાળ પર ઉતર્યા
હવે માત્ર ૨૫૦-૩૦૦ કર્મચારીઓ જ બચ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભાવનગર રેલવે ડિવિઝન હેઠળ આવતું અને ૧૮૯૦ માં રાજવી ભગવતસિંહજી દ્વારા સ્થાપિત જેતલસર જંકશન વહીવટી ઉપેક્ષાનો શિકાર બન્યું છે. ગુજરાતના એકમાત્ર ‘ફોરવે‘ જંકશન તરીકે ઓળખાતા આ સ્ટેશનના કર્મચારીઓની સામૂહિક બદલીના વિરોધમાં જેતલસરના વેપારી મંડળ, ગ્રામજનો અને પૂર્વ કર્મચારીઓએ રેલવે પ્રશાસન સામે મોરચો માંડ્યો છે.

એક સમયે ૨૫૦૦ કર્મચારીઓ અને ૧૮ લાઈનો ધરાવતું આ જંકશન દેશના ગણ્યાગાંઠ્યા ૮ ફોરવે જંકશનોમાંનું એક છે. જોકે, તાજેતરમાં રેલવે વિભાગ દ્વારા મોટાભાગના સ્ટાફની બદલી કરી દેવામાં આવતા હવે માત્ર ૨૫૦-૩૦૦ કર્મચારીઓ જ બચ્યા છે. સરપંચ આરતીબેન સરવૈયા અને પૂર્વ સરપંચ મનુબેન વાંકે આક્ષેપ કર્યો છે કે આ બદલીઓને કારણે ૧૯,૦૦૦ ની વસ્તી ધરાવતું ગામ હવે ઉજ્જડ બની રહ્યું છે અને સ્થાનિક વેપાર-રોજગાર ભાંગી પડ્યા છે.
સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળ્યો
ગ્રામજનોના જણાવ્યા મુજબ, જેતલસર ખાતે ૯૭૦ રેલવે ક્વાર્ટર ઉપલબ્ધ છે, જેનું હાલ રૂ. ૭.૨૬ કરોડના ખર્ચે રિનોવેશન ચાલી રહ્યું છે. જો કર્મચારીઓ અહીં નહીં રહે તો આ સરકારી નાણાં પાણીમાં જશે. વધુમાં, રાજકોટ જેવા શહેરોમાં બદલી કરવાથી રેલવેએ વધુ એચ.આર.એ. ચૂકવવું પડે છે, જેનાથી તિજોરી પર દર મહિને લાખો રૂપિયાનું ભારણ વધે છે.
રેલવે પ્રશાસન દ્વારા જંકશનના વિકાસને બદલે વિનાશ કરવામાં આવતો હોવાના આક્ષેપ સાથે આજે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ગ્રામજનોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી કર્મચારીઓની બદલી રદ નહીં થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની ભૂખ હડતાળ ચાલુ રહેશે. આગામી તમામ ચૂંટણીઓનો સંપૂર્ણ બહિષ્કાર કરવામાં આવશે.
અહીં વિશાળ જગ્યા હોવા છતાં વોશિંગ ઘાટ કે ડીઝલ શેડ બનાવવાને બદલે તંત્ર દ્વારા લેવાયેલા નકારાત્મક ર્નિણયો સામે સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.