Last Updated on by Sampurna Samachar
સુપ્રીમ કોર્ટનો મિલકતને લઇ મહત્વનો ચુકાદો
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશની સૌથી મોટી અદાલત સુપ્રીમ કોર્ટે પ્રોપર્ટી મામલે એક મહત્વનો ચુકાદો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અચલ સંપત્તિનો માલિક હક જ્યાં સુધી સેલ ડીડનું રજિસ્ટ્રેશન ન થઈ જાય ત્યાં સુધી ટ્રાન્સફર થઈ શકે નહીં. કોર્ટે સ્પષ્ટ કર્યું કે પ્રોપર્ટીનું પઝેશન લેવાથી સંપત્તિનો માલિકી હક ટ્રાન્સફર થઈ જતો નથી. સુપ્રીમ કોર્ટની જસ્ટિસ બીવી નાગરત્નાના વડપણવાળી બેન્ચે આપેલા પોતાના ચુકાદામાં કહ્યું કે ૧૮૮૨ ના ટ્રાન્સફર ઓફ પ્રોપર્ટી એક્ટની સેક્શન ૫૪ની જોગવાઈ મુજબ પ્રોપર્ટી ટ્રાન્સફર ફક્ત રજિસ્ટર્ડ ડોક્યુમેન્ટ્સ દ્વારા જ થઈ શકે છે.
આ મામલે જોગવાઈ છે કે ૧૦૦ રૂપિયા કે તેનાથી વધુ મૂલ્યની અચલ સંપત્તિનું વેચાણ પણ ત્યારે જ માન્ય ગણાશે જ્યારે તે રજિસ્ટર્ડ દસ્તાવજો દ્વારા કરવામાં આવ્યું હોય. કોર્ટે કહ્યું કે, જ્યાં સેલ ડીડના રજિસ્ટ્રેશનની જરૂર પડે છે ત્યાં માલિકી હક જ્યાં સુધી ડીડનું રજિસ્ટ્રેશન ન થઈ જાય, ત્યાં સુધી માલિકી હક ટ્રાન્સફર થતો નથી પછી ભલે કબજો સોંપી દેવાયો હોય અને પેમેન્ટ પણ થઈ ગયું હોય. અચલ સંપત્તિના માલિકી હકની ટ્રાન્સફર જ્યારે સેલ ડીડનું રજિસ્ટ્રેશન થઈ જાય ત્યારબાદ માન્ય ગણાય છે.
સુપ્રીમ કોર્ટેની આ ટિપ્પણીઓ એક હરાજી ખરીદારના પક્ષમાં હતી. સુપ્રીમ કોર્ટનો આ ચુકાદો પ્રોપર્ટી ડીલર અને વચેટિયાઓ માટે મોટો ઝટકો છે. કારણ કે આ લોકો પાવર ઓફ એટોર્ની અને વીલના માધ્યમથી પ્રોપર્ટી ખરીદી લે છે જે હવે શક્ય નહીં બને. આ અગાઉ ગત વર્ષે નવેમ્બરમાં સીજેઆઈના નેતૃત્વવાળી બંધારણીય બેન્ચે ખાનગી સંપત્તિઓના અધિગ્રહણ પર મોટો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તમામ ખાનગી સંપત્તિઓ રાજ્ય સરકાર અધિગ્રહણ કરી શકે નહીં, ફક્ત થોડી સંપત્તિનું અધિગ્રહણ થઈ શકે છે. આ યુકાદા સાથે જ સુપ્રીમ કોર્ટે ૧૯૭૮ના પોતાના ઐતિહાસિક ચુકાદાને પણ પલટી નાખ્યો હતો.