બોપલ પોલીસમાં કુલ ૧૮૩ થી વધુ ફરિયાદો આવી
આ કેસમાં SIT ની રચના કરાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના સાઉથ બોપલમાં પ્રિવિલોન ગ્રુપ દ્વારા સેલેસ્ટેલ બાય ૧૪ સ્ટોરીઝ અને રીચમંડ બાય ૨૨ સ્ટોરીઝ નામની બે સ્કીમ બહાર પાડવામાં આવી હતી. જેમાં ૨૦૦ જેટલા ગ્રાહકો પાસેથી ૩૫ કરોડથી વધારે જેટલી રકમ પ્રી બુકિંગના નામે મેળવી જયદીપ કોટક અને હિરેન કારિયા ફરાર થઈ ચૂક્યા હતા. જે અંગે બોપલ પોલીસમાં કુલ ૧૮૩ થી વધુ ફરિયાદો આવી છે જેમાં કુલ બે FIR નોંધવામાં આવી છે. અને હાલ આ અંગે મુખ્ય આરોપી જયદીપ કોટકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ ગ્રામ્ય SP ઓમ પ્રકાશ જાટે પત્રકાર પરિષદને સંબોધન કરતાં જણાવ્યું હતું કે પ્રિવિલોન ગ્રુપ દ્વારા કોઈપણ જાતના ગવર્મેન્ટ રૂલ્સ ફોલો કર્યા વગર ફ્રી પ્રપોઝ નામે આશરે ૩૫ કરોડથી વધારે જેટલી રકમ ચેક અને કેશથી મેળવી લેવામાં આવી હતી. જેમાં જમીન ખરીદી કર્યા વગર, રેરાની પરમિશન વગર સ્કીમ લોન્ચ કરવામાં આવી હતી. જે જમીન ઉપર બાંધકામ થવાનું હતું તે જમીનનાં મૂળ માલિક અશોક ડાહ્યાભાઈ પટેલ અને ધરણીધર ડેવલોપર હોવાનું સામે આવ્યું છે. ક્યારે આ બંને જમીન માલિકોનો આ કેસમાં શું રોલ છે? તેની તપાસ કરવામાં આવી રહી છે.
SP એ વધુમાં જણાવ્યું હતું કે હિરેન કારીયા વિરુદ્ધ અગાઉ જૂનાગઢમાં પોલીસ IPC ૩૮૬ મુજબ ગુનો પણ નોંધાયેલો છે. આરોપી જયદીપ કોટક ૨૦૧૩ થી જમીન દલાલીનું કામ કરતો હતો અને હિરેન કારિયા પણ જુનાગઢ ખાતે જમીન દલાલી અને બિલ્ડર પ્રોજેક્ટનું કામ કરતો હતો. કેસની ગંભીરતાને જોઈને SIT ની રચના કરવામાં આવી છે. અને SIT માં બે DYSP અને એક PI ને સામેલ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસની તપાસ હવે આ SIT કરશે. હાલ જયદીપ કોટકને ૧૪ દિવસની રિમાન્ડ મેળવી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. અને હિરેન કારિયાની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. SP એ ખાસ જણાવ્યું હતું કે બંને આરોપીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે. અને જો સ્કેમનાં રૂપિયાથી કોઈ પણ પ્રોપર્ટી અથવા રોકાણ કરવામાં આવ્યું હશે તો સીલ કરવામા આવશે.