Last Updated on by Sampurna Samachar
બ્રેક ફેલ થવાના કારણે અકસ્માત થયો હોવાની માહિતી
અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોડાસાથી ઉત્તર ભારતના પ્રવાસે ગયેલા અને પરત ફરી રહેલા પ્રવાસીઓની ખાનગી લક્ઝરી બસને પંચમહાલ જિલ્લાના શહેરા નજીક અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં બસમાં સવાર ૧૩ જેટલા મુસાફરોને ઇજા પહોંચી છે.

અકસ્માતની આ ઘટના શહેરાની વાઘજીપુર ચોકડી પર બની હતી. પ્રાથમિક માહિતી મુજબ, પ્રવાસીઓથી ભરેલી લક્ઝરી બસ જ્યારે શહેરા નજીકથી પસાર થઈ રહી હતી, ત્યારે અચાનક બસની બ્રેક ફેલ થઈ ગઈ હતી. બ્રેક ફેલ થવાના કારણે બસ અનિયંત્રિત બની અને તેની આગળ ચાલી રહેલા આઇશર ટ્રક સાથે જોરદાર ટકરાઈ હતી.
ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં
અકસ્માત સમયે ખાનગી લક્ઝરી બસમાં કુલ ૫૬ પ્રવાસીઓ સવાર હતા. આ પૈકી ૧૩ મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તમામ ઇજાગ્રસ્ત મુસાફરોને સારવાર માટે શહેરા રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સદનસીબે, આ ગંભીર અકસ્માતમાં કોઈ જાનહાનિ થવા પામી નથી. સમયસર સારવાર મળવાના કારણે ઇજાગ્રસ્તોની સ્થિતિ હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વધુ તપાસ શરૂ કરી છે