Last Updated on by Sampurna Samachar
કેદી વોશરૂમ જવાના બહાને પોલીસની નજર ચૂકવી ફરાર થયો
પોલીસે આરોપીને ઝડપી પાડવાની ખાતરી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
મહેસાણા શહેરમાં સુરક્ષા વ્યવસ્થાને પડકારતી ઘટના સામે આવી છે. મહેસાણા સિવિલ હોસ્પિટલમાંથી ચોરીના ગુનામાં પકડાયેલો કેદી પોલીસની નજર ચૂકી ફરાર થઈ ગયો હોવાના સમાચાર છે. ફરાર થયેલા કેદીનું નામ ચિરાગ મિસ્ત્રી હોવાનું જાણવા મળ્યું છે. મળતી માહિતી મુજબ ચિરાગ મિસ્ત્રીને બેચરાજી પોલીસ દ્વારા ચોરીના કેસમાં ઝડપી લેવામાં આવ્યો હતો અને તેને મહેસાણા જિલ્લા સબજેલમાં રાખવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ તેની તબિયત બગડતા સારવાર અર્થે તેને મહેસાણા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં સારવાર દરમિયાન કેદી વોશરૂમ જવાના બહાને બહાર ગયો હતો. તે સમયે પોલીસ જવાનની નજર ચૂકી તે ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો અને તાત્કાલિક શોધખોળ શરૂ કરવામાં આવી છે.
હોસ્પિટલ અને જેલ સુરક્ષા વ્યવસ્થા અંગે સવાલો
આ મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવી છે. શહેર અને આસપાસના વિસ્તારોમાં નાકાબંધી કરી તપાસ હાથ ધરાઈ છે. પોલીસ દ્વારા ફરાર કેદીની શોધખોળ માટે વિવિધ ટીમો રચી તપાસ તેજ કરવામાં આવી છે. હોસ્પિટલ અને જેલ સુરક્ષા વ્યવસ્થા અંગે પણ સવાલો ઊભા થયા છે. પોલીસે ટૂંક સમયમાં આરોપીને ઝડપી પાડવાની ખાતરી વ્યક્ત કરી છે.