Last Updated on by Sampurna Samachar
પંજાબ અને હિમાચલ પ્રદેશની સમીક્ષા કરશે
સમગ્ર રાજ્યમાં ચારેય બાજુ પાણી જ પાણી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ સપ્ટેમ્બરે પંજાબ અને હિમાચલ પ્રદેશની મુલાકાત લઈ શકે છે. ભારે વરસાદ, ભૂસ્ખલન અને પૂરને કારણે આ બંને રાજ્યો ચોમાસામાં મોટી હોનારત સર્જાઈ છે. PM મોદી આ બંને રાજ્યોમાં જમીની પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે પહોંચી શકે છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભાજપ પંજાબે પર લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૯ સપ્ટેમ્બરે પંજાબના ગુરદાસપુર આવી રહ્યા છે.
PM મોદી પૂરગ્રસ્ત ભાઈ-બહેનો અને ખેડૂતોને મળશે અને તેમની પરિસ્થિતિ વિશે માહિતી મેળવશે. આ ઉપરાંત તેઓ પીડિતોને મદદ કરવા માટે શક્ય તમામ પગલાં લેશે. વડાપ્રધાનની આ મુલાકાત સાબિત કરે છે કે કેન્દ્રમાં ભાજપ સરકાર હંમેશા પંજાબના લોકોની સાથે ઉભી છે અને આ મુશ્કેલ સમયમાં સંપૂર્ણ સહાય પૂરી પાડશે.
મોટા ભૂસ્ખલનની સેંકડો ઘટનાઓ બની
એજ રીતે ભાજપના હિમાચલ પ્રદેશ એકમે એક પોસ્ટ કરીને લખ્યું, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં આપત્તિ પીડિતો સાથે ખભા મિલાવીને ઊભા રહેવા માટે હિમાચલ પ્રદેશ આવી શકે છે.આ અગાઉ ૪ સપ્ટેમ્બરે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણ પંજાબની મુલાકાત લીધી હતી. પંજાબમાં ભયાનક પૂરની સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નેતૃત્વમાં અમૃતસરમાં એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં રાહત સામગ્રીનો પુરવઠો, અસરગ્રસ્ત વિસ્તારોમાં ઝડપી બચાવ કાર્ય અને પુનર્વસન યોજનાઓ પર વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે, પંજાબ સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે. નદીઓ છલકાઈ રહી છે, જેના કારણે સમગ્ર રાજ્યમાં ચારેય બાજુ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પરિસ્થિતિ એવી છે કે પંજાબના તમામ ૨૩ જિલ્લાઓને પૂરગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. સેંકડો ગામડાઓ ડૂબી ગયા છે. જેમાં આશરે ૪૩ લોકો મૃત્યુ પામ્યા છે, જ્યારે લાખો હેક્ટર જમીન પર ઉગાડવામાં આવેલા પાકનો નાશ થયો છે.
તો આ વખતે હિમાચલ પ્રદેશમાં પણ ભારે વિનાશ થયો છે. ૨૦ જૂને ચોમાસાની શરૂઆત બાદ રાજ્યમાં અચાનક પૂર, વાદળ ફાટવા અને મોટા ભૂસ્ખલનની સેંકડો ઘટનાઓ બની છે. જેના કારણે ઘણા લોકોના ઘરો નાશ પામ્યા છે અને મોટી સંખ્યામાં જાનહાનિ પણ થઈ છે. હિમાચલ પ્રદેશના તમામ રસ્તાઓ, જેમાં મંડી, શિમલા, કુલ્લુ અને ચંબા જિલ્લાના મુખ્ય માર્ગો શામેલ છે, અવરોધિત છે.